જૂનાગઢ જિલ્લા સરકારી હોસ્પિટલમાં એક માસમાં ૧૪૩ લાભાર્થીને દીકરી વધામણાં કીટ અપાઇ

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દીકરી વધામણા કીટનું વિતરણ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાની સરકારી હોસ્પિટલ સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સંકલન કરી જિલ્લામાં જન્મેલી દીકરીઓને તત્કાલ પડતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે દીકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત છેલ્લા એક માસમાં ૧૪૩ લાભાર્થી દીકરીઓને દીકરી વધામણા કીટમાં બેબી ટોય કીટ, બાળકી માટે ૬ જોડી લંગોટ, ઝબલા, ટોપી, હાથ પગના મોજા, ગરમ ગોદડી, કોટન ગોદડી, પ્લાસ્ટીક ગોદડી, મચ્છરદાની વાળો બેડ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી.
આ યોજના અંતર્ગત નવજાત દીકરીઓને પ્રોત્સાહન મળે અને દીકરીઓના જન્મદરમાં વધારો થાય તે હેતુથી બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ વ્હાલી દિકરી યોજનાનું ફોર્મ વિતરણ કરી સાથે જોડાવાના દસ્તાવેજો વિશે માહિતી આપી વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.