જૂનાગઢમાં જિલ્લા ભાજપના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું

મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે વર્ચ્યુઅલી જોડાઈ ઉદબોધન આપ્યું

જૂનાગઢ : જૂનાગઢમાં જિલ્લા ભાજપના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે વર્ચ્યુઅલી જોડાઈ ઉદબોધન આપ્યું હતું.

જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા ખોખરડા ફાટક પાસે આવેલ સાવજ ડેરીના પંટાગણમાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાભરના સક્રિય કાર્યકર્તાઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. સક્રિય કાર્યકર સંમેલન પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ કિરીટ પટેલે કાર્યકર્તાઓને પ્રેરક ઉદબોધન આપ્યું હતું. સાથે સાથે જૂનાગઢ જિલ્લાના સંગઠન પ્રભારી ધવલભાઇ દવે દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને મંચ પરથી સંગઠનશક્તિને લઈને જરૂરી માર્ગદર્શન આપેલ હતું.

કાર્યક્રમ દરમ્યાન વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાતા મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓનો વટ પાડવાવાળી સરકાર છે તેમ ઉદબોધન કરીને જણાવ્યું હતું કે દેવ દુર્લભ ભાજપનો કાર્યકર્તા પ્રજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી એવો સક્રિય કાર્યકર્તા છે. કાર્યકર્તાઓનો વટ પાડવાવાળી સરકાર છે. કાર્યકર્તા પણ સરકાર માટે જરૂરી છે. ગાંધીનગરમાં કાર્યકર્તા સાથે પ્રજાજન હોય એ કાર્યકર્તાનો વટ પાડવો સરકારની જવાબદારી છે. સૌનો વિશ્વાસ જીતવાનો અને આગળ વધવાનું છે. સરકાર ખેડૂતો, ગરીબ, ગામડા, શહેરીજનો અને સૌની કાળજી લેવાવાળી છે. દરેક સમાજને સાથે લઈ આગળ વધવું છે. હરહંમેશ સક્રીયતાથી કામ કરે છે. ચૂંટણી ગમે ત્યારે આવે તૈયાર છે. આજે સૌને જવાબદારી મળી એ નિભાવવાની છે.

સક્રિય સભ્ય કાર્યકર્તા સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તેઓએ કહ્યુ હતુ કે ચૂંટણી ડિસેમ્બર મહિનામાં આવવાની છે. ભાજપના તમામ કાર્યકર્તાઓ તૈયાર છે. કેટલાક ટીકાકારો કહે છે બણગા ફૂંકે છે. કોંગ્રેસને ખબર પડી ગઈ કે પ્રદેશ પ્રમુખ કાર્યકર્તા છે અને તેઓ કાર્યકર્તાઓ સાથે મળી કામ કરે છે ત્યારે રીઝલ્ટ મળે છે. કોંગ્રેસ કહે છે કે શહેરમાં તમે જીત્યા પરંતુ ગામડામાં ખબર પડશે અને ભાજપ જિલ્લા પંચાયતમાં ૨૨.સીટો જીતી લીધી. ભાજપના કાર્યકર્તાઓને જીતવાની આદત પડી ગઈ છે. આવતી ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર મળવા પણ મુશ્કેલ પડશે. મતદારો મત નરેન્દ્ર મોદીને જોઈને આપે છે. તમને અને મને જોઈને મત નથી આપતા. રજુઆત કરવા આવનારને બેસાડો અને સાંભળો. હવે કોઈ કાર્યકર્તાઓની ફરિયાદ નથી આવતી. કોઈ મંત્રીએ નથી કહ્યું કે કોઈ કાર્યકર્તા કોઈ અજુગતું કામ લઈને નથી આવતો. 200 દિવસ સરકારને પુરા થયા છે. સરકારના મંત્રીઓએ અનેક કામો પુરા કર્યા છે.

જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા સક્રિય કાર્યકર્તા સંમેલન બાદ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરી, શાક, પુલાવ ભાત, સલાડ, પાપડ, ફૂલવડી સહિતના ભોજન કાર્યકર્તાઓને જમાડવામાં આવ્યા હતા. ભોજન સમારંભમાં કોઈ અગવડતા ન પડે તેના માટે 10 જેટલા કાઉન્ટરો રાખવામાં આવ્યા હતા અને ભાઈઓ તથા બહેનો માટે અલગ કાઉન્ટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સક્રિય કાર્યકર્તા સંમેલનનું સફળ સંચાલન જીલ્લા મહામંત્રી ડો.જય કુમાર ત્રિવેદીએ કર્યું હતું.