ડુપ્લીકેટ રીસીપ્ટ કૌભાંડ : રાજકોટના ત્રણ રિપીટર વિદ્યાર્થીઓ ઝડપાયા

હાલ ફરાર રહેલા માસ્ટર માઈન્ડ રાજકોટની ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલના કહેવાથી જૂનાગઢનો સાગરીત બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રસીદ બનાવની વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે લલચાવતો હોવાનું ખુલ્યું

જૂનાગઢ : જૂનાગઢના દૌલતપરામાં થોડા દિવસો પહેલા પોલીસે બોર્ડની ડુપ્લીકેટ પરીક્ષાની ડુપ્લીકેટ રીસીપ્ટ બનનાવાનું કૌભાંડ ઝડપી લીધું હતું. આ ડુપ્લીકેટ રીસીપ્ટ બનાવતો એક શખ્સ ઝડપાયા બાદ આ કૌભાંડના તાર રાજકોટને અડયા હતા. જેમાં આ આરોપી હાલ ફરાર રહેલા માસ્ટર માઈન્ડ રાજકોટની ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલના કહેવાથી બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રસીદ બનાવની વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે લલચાવતો હોવાનું ખુલ્યું છે. આથી પોલીસે હાલ ડુપ્લીકેટ રસીદના આધારે બોર્ડની પરીક્ષા આપનાર રાજકોટના ત્રણ રિપીટર વિધાર્થીઓને ઝડપી લીધા છે.

જૂનાગઢના દોલતપરામાં આવેલ નેમીનાથનગર-૨ના એક મકાનમાં બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રીસીપ્ટો બનાવાતી હોવાની બાતમીના આધારે પોલીસે થોડાં દિવસો પહેલા એ મકાનમાં રેઇડ કરીને મકાનમાંથી એક આરોપી જીજ્ઞેશ જગદીશભાઇ પરમાર (ઉવ.૨૮)ને રીસીપ્ટ બનાવવાના માટે ઉપયોગમાં લીધેલ લેપટોપ સહિતના સાધનો સાથે ઝડપી લીધો હતો અને બોર્ડની ડુપ્લીકેટ રસીદ બનાવવાના કૌભાંડની રજેરજ વિગતો મેળવવા આ આરોપીને બે દિવસમાં રિમાન્ડ ઉપર લઈ આકરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં આ આરોપી માત્ર માછલી હોવાનું અને માસ્ટર માઈન્ડ રાજકોટની ખાનગી સ્કૂલનો પ્રિન્સિપાલ રાજુ વ્યાસ હોવાનું ખુલ્યું હતું. જો કે પકડાયેલા આરોપી ડુપ્લીકેટ રસીદના આધારે બોર્ડની પરીક્ષાનું એક પેપર પણ આપ્યું હતું.

માસ્ટર માઈન્ડ રાજકોટની ખાનગી સ્કૂલનો પ્રિન્સિપાલ રાજુ વ્યાસ હજુ ફરાર છે. પણ પોલીસના જણાવ્યા મુજબ આ માસ્ટર માઈન્ડ ડુપ્લીકેટ રસીદ જૂનાગઢના શખ્સને મોકલાવતો.પછી એ શખ્સ સ્કેનર વડે રસીદ બનાવી અન્ય વિદ્યાર્થીઓના ફોટા નામ સહિતની વિગતો દર્શાવીને રિપીટર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ઉત્તેજન આપતો હતો. આ રીતે બન્ને કૌભાંડ ચલાવતા હતા. જો કે આ ડુપ્લીકેટ રસીદના આધારે રાજકોટના ત્રણ રિપીટર વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હોવાનું ખુલતા હાલ જૂનાગઢ પોલીસે રાજકોટના ત્રણ રિપીટર વિદ્યાર્થીઓ ચંદ્રકાંત સોલંકી , વિક્રાંત બારૈયા અને ચિરાગ ડોડીયાને ઝડપી લીધા હતા. હજુ કેટલાક ડમી વિધાર્થીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકાથી પોલીસે વધુ સઘન તપાસ હાથ ધરી છે.