જૂનાગઢ – વંથલી હાઈવે ઉપર ખુલ્લેઆમ ધમધમતો દેશી દારૂનો બાર

ડીલક્સ નામની હોટલમાં ખુલ્લેઆમ વેચાણનો વિડિયો વાયરલ થતા પોલીસને પડકાર

જૂનાગઢ : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કહેવા પૂરતી જ હોય એમ છાનેખૂણે ઢગલાબંધ દારૂ મળતો હોવાની બાબત નવી નવાઈ નથી. પણ જૂનાગઢના વંથલી હાઈવે ઉપર એક હોટેલમાં પાણીનો બોટલની જેમ દેશી દારૂ બિન્ધાસ્ત રીતે વેચાતો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ખરેખર આ હોટલ છે કે દારૂનો અડ્ડો તેવો વેધક સવાલ ઉઠ્યો છે. હોટલમાં દારૂના વેચાણનો વીડિયો વાયરલ થતા પોલીસ ઉપર પસ્તાળ પડી છે.

જૂનાગઢના વંથલી હાઈવે ઉપર દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાની ગંભીર બાબત સામે આવી છે. જેમાં વાડલા-ફાટક પાસે આવેલ દ્વારકેશ ડીલક્સ નામની હોટલમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પાણીની બોટલની જેમ ગ્રાહક માંગે એમ દારૂનું વેચાણ થતું હોવાનું દેખાઈ છે. જેમાં એક ગ્રાહકે હોટલમાં જઈને દેશી દારૂની પોટલી માંગતા હોટલના કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ તરત જ દારૂની પોટલી આપી દીધી હતી. જાણે એ પાણી બોટલ આપતો હોય એમ છડેચોક દારૂની કોથળી ગ્રાહકને આપી દીધી હતી. હોટલમાં દારૂના વેચાણનો વીડિયો વાયરલ થતા કહેવાતી દારૂબંધીના ધજાગરા થયા છે. જો કે આ દારૂની બદી દૂર કરવા અનેક વખત રજૂઆત કરવા છતાં વંથલી પોલીસ હજુ નિંદ્રામાં હોય તેમ છડેચોક દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો પુરાવા રૂપ વીડિયો બહાર આવતા હવે પોલીસ ખરેખર આ દિશામાં કડક કાર્યવાહી કરશે કે કેમ ? તે જોવું રહ્યું.