જાહેરમાં બફાટ કરવાની ના પાડતા નશાખોરોએ પોલીસમેનને માર માર્યો

જૂનાગઢના બાયપાસ રોડ ઉપર આવેલ દેશી પકવાન હોટલમાં બનેલા બનાવમાં પોલીસમેને બે નશાખોરો સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના બાયપાસ રોડ ઉપર આવેલ દેશી પકવાન હોટલમાં નશામાં ચકચૂર બનીને બે નશાખોરો જાહેરમાં બેફામ વાણીવિલાસ કરતા હોવાથી જાહેરમાં આવું બેહૂદું વર્તન કરવાની ના પડતા ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે એમ બન્ને શખ્સોએ પોલીસમેનને માર માર્યો હતો. આ બનાવ અંગે પોલીસમેને બે નશાખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બી ડીવી.ના પો.કોન્સ.નીતીન નામદેભાઇએ આરોપીઓ ચીરાગ જેઠાભાઇ કુંદાણી (રહે જુનાગઢ), નરેશ સુંદરલાલ ચાંદવાણી (રહે.રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, બાયપાસ રોડ ઉપર આવેલ દેશી પકવાન હોટલમાં જુનાગઢ ખાતે ગઈકાલે આરોપીઓએ કેફી પીણુ પીધેલ હાલતમા જાહેરમા બફાટ કરી ભુંડી ગાળો બોલતા હોય જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા ફરીયાદીને તથા ફરિયાદીના મિત્ર મયુરભાઇ રાજાણી તથા પ્રદિપભાઇ વધવા તથા લુપેશભાઇને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી ફરીયાદીને થપ્પડો મારી શરીરે મુંઢમાર માર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.