ડુપ્લીકેટ રીસીપ્ટ કૌભાંડ : આરોપીએ ડુપ્લીકેટ રીસીપ્ટથી એક પેપર પણ આપ્યાનો ઘટસ્ફોટ

રાજકોટની હાઇસ્કુલનો કર્મચારી પકડ્યા બાદ આ કૌભાંડના વધુ ચોંકાવનારા રહસ્ય બહાર આવશે

જૂનાગઢ : જૂનાગઢમાં હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરવા માટે કેટલાક શખ્સો ડુપ્લીકેટ રીસીપ્ટો બનાવતા હોવાની બાતમી મળતા પોલીસે ગઈકાલે એક મકાનમાં છાપો મારીને બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રીસીપ્ટો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં એક પડકાયેલા ઇસમે ડુપ્લીકેટ રીસીપ્ટથી એક પેપર પણ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. જો કે આ પ્રકરણમાં રાજકોટની હાઇસ્કુલનો કર્મચારી સહિત અન્ય બેની સંડોવણી બહાર આવી છે. તેથી રાજકોટની હાઇસ્કુલનો કર્મચારી પકડ્યા બાદ આ કૌભાંડના વધુ ચોંકાવનારા રહસ્ય બહાર આવશે.

જૂનાગઢના દોલતપરામાં આવેલ નેમીનાથનગર-૨ના એક મકાનમાં બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રીસીપ્ટો બનાવાતી હોવાની બાતમીના આધારે પોલીસે ગઈકાલે એ મકાનમાં રેઇડ કરીને મકાનમાંથી એક આરોપી જીજ્ઞેશ જગદીશભાઇ પરમાર (ઉવ.૨૮)ને રીસીપ્ટ બનાવવાના માટે ઉપયોગમાં લીધેલ લેપટોપ નંગ – ૧ કિ.રૂ.૨૫,૦૦૦ તથા મોબાઇલ – ૧ કિ.રૂ.૩,૦૦૦ તથા ચાર્જર -૧ કિ.રૂ.૫૦ તથા બેગી -૧ તેમજ કુલ-૩ વિદ્યાર્થીઓની અસલ તેમજ ઝેરોક્ષ રીસીપ્ટો સાથે મળી કુલ કિ.રૂ.૨૮,૦૫૦ મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

પોલીસની વધુ તપાસમાં આ કૌભાંડમાં અન્ય બે આરોપીઓમાં એક રાજકોટના લીમડા ચોક પાસે આવેલી લાલબહાદુર શાસ્ત્રી હાઇસ્કુલના કર્મચારી રાજુભાઇ વ્યાસ તેમજ બીજો રાજકોટનો ડોડીયા ચિરાગ જેન્તિભાઇની સંડોવણી બહાર આવી છે. વધુમાં આ ત્રણેય આરોપીઓ એકબીજાની મિલીભગથી પુર્વે આયોજીત કાવતરૂ રચી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા – માર્ચ ૨૦૨૨ ના પ્રવેશપત્રમાં અસલ વિદ્યાથીના ફોટાની જગ્યાએ અન્ય વ્યકિતના ફોટા વાળી બનાવટી રીસીપ્ટો બનાવવાના ઉદેશથી મેળવી તે ડુપ્લીકેટ રીસીપ્ટો બનાવી હોવાનું ખુલ્યું હતું. જ્યારે પકડાયેલો આરોપીએ ડુપ્લીકેટ રશીદના આધારે બોર્ડની પરીક્ષાનું એક પેપર પણ આપ્યું હતું. હાલ પોલીસે બન્ને ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.