જૂનાગઢમાં ડોર ટું ડોર કચરા કલેક્શનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોન્ટ્રાકટ રદ કરવા સફાઈ કર્મીઓ મેદાને

મનપાના સફાઈ કર્મીઓએ સફાઈ કામદાર કર્મચારી યુનિયનના નેજા હેઠળ વિવિધ પ્રશ્ને મેયર, કમિશ્નરને આવેદન આપ્યું

જૂનાગઢ : જૂનાગઢમાં ડોર ટું ડોર કચરા કલેક્શનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોન્ટ્રાકટ રદ કરવા સફાઈ કર્મીઓ મેદાને આવ્યા છે અને ડોર ટું ડોર કચરા કલેક્શનમાં ભારે ગેરરીતી થતી હોય આ કોન્ટ્રાકટ રદ કરવા તેમજ પડતર પ્રશ્ને મનપાના સફાઈ કર્મીઓએ સફાઈ કામદાર કર્મચારી યુનિયનના નેજા હેઠળ મેયર, કમિશ્નરને આવેદન આપ્યું હતું.

જૂનાગઢ મનપાના સફાઈ કર્મચારીઓના પ્રશ્નોને લઈને સફાઈ કામદાર કર્મચારી યુનિયન દ્વારા મેયર, કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓના વારસદારોને નિમણૂંક આપવી, રાજ્યની ૭ મનપામાં પેન્શન પ્રથા અમલમાં હોય ત્યારે જૂનાગઢ મનપામાં પણ પેન્શન પ્રથા લાગુ કરવા, સફાઈ કર્મચારીઓને એરીયર્સની રકમ ચૂકવવી, રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા , રજાના લાભ, આવાસ બનાવી આપવા સહીતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને યુનિયન દ્વારા મેયર ગીતાબેન પરમારને આવેદનપત્ર આપી રજૂઆત કરાતા તેઓએ આ પ્રશ્નોને તબબકાવાર ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

જૂનાગઢ મનપાના સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળાએ જણાવ્યું હતું કે, સફાઈ કર્મીઓના અલગ અલગ પ્રશ્ને મેયર સહિતનાને રજુઆત કરવામાં આવી હતી. ખાસ તો જૂનાગઢમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનનો જે એજન્સી દ્વારા કોન્ટ્રાકટવ ચાલે છે. તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરી આ ડોર ટુ ડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાકટ રદ કરવાની માંગણી કરાઈ છે. આજે અલગ અલગ પ્રશ્ને રજુઆત થઈ એમાં મેયર સહીતનાએ આ તમામ પ્રશ્નોને સમયસર ઉકેલવાની ખાતરી આપી છે.