જૂનાગઢના સોનોગ્રાફી સેન્ટરોની હેલ્થ ઓફિસરો દ્વારા તપાસણી કરવાની સૂચના

જૂનાગઢમાં ગર્ભ પરિક્ષણ ધારા અંતર્ગત સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ગર્ભ પરિક્ષણ ધારા અંતર્ગત કાર્યરત સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. આ સમિતિના ચેરમેન સાધનાબેન નિર્મળના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં સોનોગ્રાફી સેન્ટરની રીન્યુ માટે આવેલ અરજીઓને મંજુર કરવામાં આવી હતી.

આ બેઠકમાં સોનોગ્રાફી સેન્ટરોની તાલુકા હેલ્થ ઓફિસરો દ્વારા તપાસણી કરવા જણાવાયું હતું. ઉપરાંત બેટી બચાવો અભિયાનનો પ્રચાર-પ્રસાર માટે વિવિધ સૂચનો કરાયા હતા. આ બેઠકમાં સમિતિના સભ્યો ચંદનબેન રાવલ, ડો.સંજયકુમાર, ડો.ચિરાગ, ડો.ક્રિષ્નાબેન, સરકારી વકીલ જોટાણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.