જૂનાગઢના ૯૬૧૩૬ વિદ્યાર્થીઓ પીએમ મોદી સાથે કરશે પરીક્ષા પે ચર્ચા

વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની ૧૫૨૧ શાળાના ૯૬૧૩૬ વિદ્યાર્થીઓ સાથે ૧૬૦૨૩ વાલીઓ પણ જોડાશે

જૂનાગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લામાંથી ૧૫૨૧ શાળાના ૯૬૧૩૬ વિદ્યાર્થીઓ સાથે ૯૭૧૬ શિક્ષકો અને ૧૬૦૨૩ વાલીઓ જોડાશે.

આગામી તા.૧ એપ્રિલને શુક્રવારના રોજ ૧૧ કલાકે દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેમાં જૂનાગઢ જિલ્લાના શહેર સહિત ૧૦ તાલુકામાંથી કુલ ૧૫૨૧ શાળાના ધો.૬ થી ૧૧ સુધીના ૯૬૧૩૬ વિદ્યાર્થીઓ સાથે ૯૭૧૬ શિક્ષકો અને ૧૬૦૨૩ વાલીઓ કાર્યક્રમમાં જોડાશે.

આ કાર્યક્રમમાં જૂનાગઢ શહેરની જ્ઞાનબાગ ગુરૂકુલ સ્કુલ સહિત દરેક તાલુકાની સ્કુલોમાં જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું છે. આમ જિલ્લાની ૭૩૯ સરકારી, ૨૪૪ અનુદાનિત અને ૫૩૮ સ્વ-નિર્ભર શાળાઓના ધો.૬ થી ૮ના ૫૮૯૮૨ અને ધો.૯ અને ૧૧ ના ૩૭૧૫૪ વિદ્યાર્થીઓ વડાપ્રધાનશ્રીના પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમમાં જોડાશે.