કેશોદના ઇન્દ્રાણા ગામને તસ્કરોએ ધમરોળ્યું, દુકાન-મકાનમાં મોટા દલ્લાની ચોરી

ચાર અજાણ્યા શખ્સો દુકાન, મકાન અને બાઇકને નિશાન બનાવી રૂ.૨.૯૪ લાખની માલમતા ઉઠાવી ગયા

જૂનાગઢ :કેશોદના ઇન્દ્રાણા ગામને તસ્કરોએ ધમરોળ્યું હતું અને દુકાન-મકાનમાં મોટા દલ્લાની ચોરી કરી હતી.જેમાં ચાર અજાણ્યા શખ્સો દુકાન, મકાન અને બાઇકને નિશાન બનાવી રૂ.૨.૯૪ લાખની માલમતા ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વલ્લભભાઇ લાલજીભાઇ આસોડીયા (ઉ.વ.૭૩ રહે.ઇન્દ્રાણા ગામ પાદરડી રોડ તા.કેશોદ જી.જુનાગઢ)એ ચાર અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૩૦ માર્ચના રોજચાર અજાણ્યા તસ્કરો ઇન્દ્રાણા ગામે ત્રાટકયા હતા અને અજાણ્યા ચાર માણસોએ ફરીયાદીનાં મકાનનાં તાળા તોડી પ્રવેશ કરી કબાટનાં લોક તોડી તેમાંથી સોના-ચાંદીનાં દાગીના કુલ રૂા. ૨,૫૩,૦૦૦ તથા સાહેદ ગોવિંદભાઇ કોળીની કરીયાણાની દુકાનનાં તાળા તોડી રોકડ રૂા. ૧૧,૦૦૦ તેમજ સાહેદ પરબતભાઇ કોળીનું ખુલ્લામાં રાખેલ સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-11-BL-8495 કિંમત રૂા. ૩૦,૦૦૦ મળી કુલ રૂપીયા ૨,૯૪,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.