લગ્નના વહેવારના પૈસા આપવાની ના પાડતા આધેડને લમધારી નાખ્યા

જૂનાગઢની કાંબલીયા સ્કુલની સામે બનેલા બનાવમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢની કાંબલીયા સ્કુલની સામેના વિસ્તારમાં લગ્નના વહેવારના પૈસા આપવાની ના પાડતા આધેડને લમધારી નાખ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે આધેડે બે શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દુર્લભભાઇ નાથાભાઇ વાધેલા (ઉ.વ.૫૫ રહે. દાતારરોડ પોલીસ લાઇનની સામે જુનાગઢ) એ આરોપીઓ કનો હેમંતભાઇ, કાનુડો ઉર્ફે બાવ હેમંતભાઇ (રહે.બન્ને જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પાસેથી આરોપીઓએ લગ્નના વહેવારના પૈસા માંગતા ફરીયાદીએ ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને બીભત્સ ગાળો બોલી આરોપીઓએ ફરીયાદીને જમણા પગના સાથળના ભાગે લોખંડનો પાઇપ મારી તેમજ આરોપીઓએ નાકના ભાગે મુક્કો મારી ઢીકાપાટુનો મુંઢ માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.