પ્રેમલગ્નમા ખટરાગ થવાથી યુવતીએ ઘર છોડી દેતા બન્ને પરિવારો વચ્ચે બઘડાટી

મેંદરડાના ભાલછેલ ગામે મારામારીના બનાવમાં બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : મેંદરડાના ભાલછેલ ગામે પ્રેમલગ્નમાં ખટરાગ થવાથી યુવતી ઘર છોડીને ચાલી જતા બન્નેના પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી.આ બનાવ અંગે બન્નેના પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યા બાદ સામસામી ફરિયાદ નોંધાવી છે. આથી આ બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મેંદરડા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિનેશભાઇ ભીખુભાઇ જમોડ (ઉ.વ.૪૦, રહે.ભાલછેલ તા.મેંદરડા જી.જુનાગઢ) એ આરોપીઓ રમેશભાઇ ભીખુભાઇ જમોડ, ભાનુબેન રમેશભાઇ જમોડ (રહે.બન્ને ભાલછેલ તા.મેંદરડા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ અગાઉ ફરિયાદીના ભત્રીજા પ્રદીપ રણછોડભાઇ જમોડનાઓએ જુનાગઢ તાલુકાના પાદરીયા ગામની છોકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય, અને તે છોકરી આરોપીના ઘરે તેની મરજીથી જતી રહેલ હોય, તે બાબતે પ્રદીપએ ગઇકાલે પોલીસ સ્ટેશને અરજી કરવા ગયેલ હોય,જે અરજી બાબતે ફરિયાદીએ પ્રદીપને ચઢામણી કરેલ હોય તેવી શંકા રાખી તે વાતનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી તેમનો હાથ પકડી રાખેલ અને માથામાં લાકડા વડે એક ઘા મારી ઇજા કરી હતી.

સામાપક્ષે રમેશભાઇ ભીખુભાઇ જમોડ (ઉ.વ.૪૫, રહે- ભાલછેલ બસ સ્ટેન્ડ પાસે તા.મેંદરડા જી.જુનાગઢ) એ આરોપીઓ દિનેશભાઇ ભીખુભાઇ જમોડ, સોમાભાઇ ભીખુભાઇ જમોડ, હરેશભાઇ ભીખુભાઇ જમોડ, પ્રદીપભાઇ રણછોડભાઇ જમોડ, જોષનાબેન દિનેશભાઇ જમોડ, હંસાબેન રણછોડભાઇ જમોડ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી પ્રદીપ રણછોડભાઇ જમોડ જુનાગઢ તાલુકાના પાદરીયા ગામનાં કાનજીભાઇની દિકરી કાજલને દોઢેક માસ પહેલા ભગાડીને લઇ આવેલ હોય જે પતિ પત્ની વચ્ચે ગઇ કાલે સાંજના માથાકુટ થતા આ પ્રદીપની પત્ની કાજલ તેના ઘરેથી ભાગી આવી ફરિયાદીના ઘરે રોકાયેલ હોય જે વાતનું મનદુખ રાખી આરોપીઓ પ્રથમ લાકડાનાં વરા લઇને ફરીયાદીના ઘર પાસે આવી ફરિયાદી તથા તેમના પત્નિ ભાનુબેનને ગાળો બોલી લાકડાના વરા વડે શરીરે આડેધડ માર મારી જતા રહ્યા બાદ અન્ય આરોપીઓએ ફરિયાદીના ઘરપાસે લાકડાનાં વરા લઇને આવી સાહેદ દયાબેનને શરીરે આડેધડ માર મારી મુંઢ ઇજાઓ કરી હતી.