મોટર રીપેરીંગના રૂપીયા બાબતે યુવકને છરી ઝીંકી

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં એક શખ્સે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં મોટર રીપેરીંગના રૂપીયા બાબતે યુવકને છરી ઝીંકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવકે એક શખ્સ સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નસરૂદીન ઉર્ફે ડાડો ગફારભાઇ મજગુલ (ઉ.વ. ૨૪ રહે હાલ દોલતપરા દાસારામ સો.સા.બ્લોક નં.૩૦૨ ભાડેથી જુનાગઢ મુળ વતન ગીરસોમનાથ તા.તાલાલા ગામ જાંબુર) એ આરોપી સંજય ઉર્ફે સાંગો કાળાભાઇ આહીર (રહે. દાસારામ સોસા. જુનાગઢ) ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી અને ફરીયાદીને જુનાગઢ દોલતપરા દાસારામ (એપાર્ટ) સોસાયટીમાં મોટર રીપેરીંગના રૂપીયા બાબતે બંન્નેને અગાઉ બોલાચાલી થયેલ હોય જે વાતનુ મનદુખ રાખી આરોપીએ ફરીયાદીને ગેર શબ્દો બોલી ગાળો કાઢી છરી વડે ગળાની જમણી બાજુ છરી મારીને ઇજા કરી હતી.