જૂનાગઢમાં આરટીઇ હેઠળ ૧૫૭૧ ગરીબ બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ મળશે

૩૦ માર્ચથી ૧૧ એપ્રિલ સુધી પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

જૂનાગઢ : મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો પણ ખાનગી શાળામાં ભણી શકે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા RTE હેઠળનો કાયદો લાગુ પાડી ખાનગી શાળાની સંખ્યામાં ૨૫ ટકા બાળકોને વિના મૂલ્યે(સરકારી ખર્ચે) પ્રવેશ આપવામાં આવે છે. જેમાં તા.૩૦ માર્ચથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ રહી છે. આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં ૧૫૭૧ બાળકોને ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ RTE ACT-૨૦૦૯ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં તા.૩૦ માર્ચ થી ૧૧ એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તા.૩૦ માર્ચથી ૧૬ એપ્રિલ સુધી જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ/રીજેક્ટ કરવાની રહેશે. તેમજ ખુટતા ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવા માટે વાલીઓને તા.૧૭ થી ૧૯ એપ્રિલ સુધીનો સમયગાળો આપવામાં આવશે. બાદમાં તા.૧૭ થી ૨૧ એપ્રિલ સુધીમાં પુન: અપલોડ થયેલ ડોક્યુમેન્ટની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તા.૨૬ એપ્રિલના રોજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં RTE હેઠળ કુલ ૧૫૭૧ બાળકોને ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. ત્યારે RTEની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત વાલીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે દર વર્ષની જેમા જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર ૦૨૮૫-૨૯૯૦૪૫૭ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ઓફિસ સમય દરમિયાન જરૂરી માર્ગદર્શન, સલાહ અને સૂચન આપવામાં આવશે તેમ જૂનાગઢ જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી જેઠવાની યાદીમાં જણાવાયું છે.