જૂનાગઢ ખાતે નારી સંમેલન યોજાયું

વિવિધ મહિલા લક્ષી યોજનાઓ, કાયદા વિષયક અને આરોગ્ય લગતું વિસ્તૃત માર્ગદર્શન અપાયું

જૂનાગઢ : ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુકત ઉપક્રમે આઈ.સી.ડી.એસ ઘટક જૂનાગઢ-૨ દ્વારા સ્પોર્ટસ ક્લબ, જૂનાગઢ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામા આવ્યું હતું.

આ કાર્યક્રમમા અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા તથા મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ લાભુબેન ગુજરાતી અને તાલુકા પંચાયત પ્રમુખ મુક્તાબેન પરમાર દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી. તેમજ આ કાર્યક્રમમા પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.એસ.એસ.જાવિયા, મહિલા અને બાળ અધિકારી જસાણી, પ્રગતિ મહિલા મંડળમાંથી શારદાબેન રાખોલિયા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમા સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી, મહિલા અને બાળ વિકાસની કચેરી, નારી અદાલત, ૧૮૧ અભયમ અને આરોગ્ય વિભાગ દ્વારા નારીઓને લગતી વિવિધ પોષણ વિષયક યોજનાઓ, કાયદા વિષયક અને આરોગ્યને લગતી વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. કાર્યક્ર્મમાં આંગણવાડી વર્કર બહેનો, આશાવર્કર બહેનો, સખી મંડળની બહેનો, આઈ.સી.ડી.એસ જિલ્લા પંચાયત તથા જૂનાગઢ ઘટક-૨ના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનુ સંચાલન સી.ડી.પી.ઓ શ્રી કંચનબેન પટોળીયા, આઈ.સી.ડી.એસ જૂનાગઢ-૨ સ્ટાફ તથા મેઘાબેન સાવલિયા દ્વારા કરવામા આવેલ અને આભારવિધી જૂનાગઢ ઘટક-૨ ના એસ.એ શ્રી એસ.બી.વિછી દ્વારા કરવામા આવી હતી.