જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિવિધ બેઠકો યોજાઈ

જિલ્લા પ્રમુખના અધ્યક્ષસ્થાને સંગઠન પ્રભારી ઉપસ્થિતિમાં યોજાઇ બેઠકો

બેઠક પૂર્ણ થયા બાદ તમામ કાર્યકરોએ ટિફિન ભોજન સાથે લીધું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રમુખ કિરીટ પટેલના અધ્યક્ષસ્થાને સંગઠન પ્રભારી ધવલ દવે ઉપસ્થિતિમાં બેઠકો યોજાઇ હતી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દિનદયાલ ભવન ખાતે જિલ્લા કારોબારીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જુનાગઢ જીલ્લાના હોદ્દેદારો, સિનિયર આગેવાનો પૂર્વ ધારાસભ્ય તેમજ સિનિયર આગેવાનો, જિલ્લા, કારોબારીના સદસ્યો, જીલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખો પ્રમુખો ચેરમેનો સાથે જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓના પદાધિકારીઓ અને મંડલ પ્રમુખ, મહામંત્રી, પ્રભારી સાથે જિલ્લાના વિવિધ સેલના કન્વીનરો તેમજ સહ કન્વીનર, જિલ્લાના સાત મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ સાથે જિલ્લાના તમામ સેલના કન્વીનર, સહ કન્વીનર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકનો પ્રારંભ સંગઠન પ્રભારી ધવલભાઇ દવે દ્વારા દીપ પ્રાગટ્ય સાથે સામુહિક વંદે માતરમ ગાન સાથે પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન સંગઠન પ્રભારી ધવલભાઇ દવેનુ સાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટભાઇ પટેલે કર્યું હતું. બાદમાં બેઠકમાં ઉપસ્થિત જિલ્લા કારોબારીના સદસ્યો તેમજ અપેક્ષિતોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. એ વેળાએ કિરીટભાઇ પટેલે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લામાં પાર્ટી દ્વારા સૂચવેલ કાર્યો અંગેનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો સાથે જિલ્લા કારોબારીના સભ્યો તેમજ હોદ્દેદારો દ્વારા કરેલી કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા.

તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે બેઠકમાં પધારેલ સંગઠન પ્રભારી ધવલભાઇ દવે દ્વારા આગામી કાર્યક્રમો અને પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યોને સત્વરે પૂર્ણ કરવાની સાથે સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા પ્રદેશ ભાજપ દ્વારા શરૂ કરાયેલા ટિફિન બેઠકને પ્રાધાન્ય આપવા પણ સૂચન કર્યું હતું, તેમજ આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં બુથ લેવલ પર પાર્ટી દ્વારા કરવામાં આવનારા કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન જય કુમાર ત્રિવેદીએ કર્યું હતું અને બેઠકની આભાર વિધિ બક્ષીપંચ મોરચા રાષ્ટ્રીયના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી કરી હતી. તેનો ઉદ્દેશ સંગઠન શક્તિને મજબૂત બનાવવાનો રહ્યો હતો.

બેઠક પૂર્ણ થયા બાદ પ્રદેશની સુચના મુજબ તમામ કાર્યકરોએ સંગઠનના આગેવાનો પોતાના ઘરેથી ટિફિન લઈને બેઠક સ્થળે આવ્યા હતા અને બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ, સંગઠન પ્રભારી ધવલભાઇ દવે તેમજ જીલ્લાના હોદ્દેદારો અને સૌ કાર્યકર્તાઓએ સાથે બેસીને ટિફિન ભોજન લીધું હતું. ત્યારે કાઠિયાવાડની કહેવત “જેના અન્ન ભેગા, એના મન ભેગા” દ્રશ્યમાન થતી સાબિત થઇ હતી.