સૌની યોજના જમીન સંપાદનની સહાય ન ચૂકવાતા ખેડૂતો કાળઝાળ, કામ અટકાવ્યું

જૂનાગઢ જિલ્લાના ત્રણ ગામોના ખેડૂતોએ સૌની યોજનાના કામનો કર્યો વિરોધ, છ – છ મહિનાથી કામ ચાલુ હોવા છતાં રાતીપાઈ પણ ન ચુકાવતા ખેડૂતો આગબુબલા, જ્યાં સુધી સહાય ન ચૂકવાઈ ત્યાં સુધી કામ ચાલુ ન કરવા દેવાની ચીમકી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ત્રણ ગામોના ખેડૂતો સૌની યોજનાના જમીન સંપાદન વળતરને લઈ કાળઝાળ બન્યા છે. સૌની યોજનાનું છ -છ મહિનાથી કામ ચાલુ હોય અને એ કામ દરમિયાન ખેડૂતોને થયેલા નુક્શાનનું વળતર ન ચૂકવાતા ખેડૂતો લડી લેવાના મૂડમાં હોય તેમ આજે ભારે વિરોધ સાથે સૌની યોજનાનું કામ અટકાવી દીધું છે અને સૌની યોજનાના કામનો ખેડૂતોએ સખત વિરોધ કરી સુધી સહાય ન ચૂકવાઈ ત્યાં સુધી કામ ચાલુ ન કરવા દેવાની ચીમકી આપી છે.

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના તરશીંગડા વીરડી ગઢાડી માત્રવાડિયા અને બોડી ગામના ખેડૂતોએ આજે તેમના ગામોમાં થઈ રહેલા સૌની યોજનાના કામનો સખત વિરોધ કરીને ખેડૂતોએ સાથે મળીને પાઇપલાઇનને ઘેરાવ કરી આ કામને અટકાવી દીધું છે.આ અંગે ખેડૂત જીવનભાઈ કોડીયાતરે ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, સૌની યોજનાનું તેમના ગામમાં છ મહિનાથી કામ ચાલુ છે. શરુઆતમાં સૌની યોજનાના અધિકારીઓએ ખેડૂતોને આ કામગીરી દરમિયાન જે કઈ નુકશાન થાય તેનું વળતર 15 દિવસમાં ચુકવવાની ખાતરી આપી હતી. પરંતુ 15 દિવસના છ મહિના થઈ ગયા અને ત્રણ સિઝન પણ નીકળી ગઈ ખેડૂતો પાક લઈ શક્યા નથી તેમ છતાં આ કામનું વળતર ચૂકવાયું નથી.એક વિધા દીઠ 60 હજારનું વળતર ચૂકવાનું હોય પણ આ વળતર ન ચૂકવાતા આ કામનો વિરોધ કર્યો છે.

જ્યારે માત્રવાડિયા ગામના સરપંચ કાળજા યસએ જણાવ્યું હતું કે, છ -છ મહિનાથી સૌની યોજનાનું કામ ચાલુ હોય એ કામ દરમિયાન થયેલી નુકશાનીનું વળતર સરકારે ખેડૂતોને ચૂકવ્યું જ નથી. આથી ગામના ખેડૂતોએ આ કામ રોકાવ્યું છે અને જ્યાં સુધી સહાય ન ચૂકવાઈ ત્યાં સુધી આ કામ ચાલુ નહિ થાય તેમજ જરૂર પડ્યે ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.

તેમજ ખેડુત બીપીનભાઈ રવિયાએ રોષભેર જણાવ્યું હતું કે, સરકારી યોજના સૌની યોજનાનું કામ તેમના ખેતરમાં પાઇપલાઇન નાખીને કરવામાં આવતું હોય અને છ મહિના થવા છતાં આ કામથી ખેતરમાં થયેલી નુક્શાનુંનું વળતર રૂપે હજુ સુધી એક ફદીયુ પણ ચૂકવ્યું નથી. બીજી તરફ આ કામને કારણે ખેડૂતો ત્રણ ત્રણ સિઝનનો પાક લઈ શક્ય નથી અને હજુ પણ આ કામ ક્યારે પૂરું થશે અને કેટલી નુકશાની થશે તેનો કોઈ અંદાજ ન હોય જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી આ રીતે વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.