ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા મહિલાને માથામાં લાકડી ફટકારી

મેંદરડાના સમઢીયાળા ગામે ચાર પાડોશીઓએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : મેંદરડાના સમઢીયાળા ગામે ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા મહિલાને માથામાં લાકડી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ મહિલા તેમજ અન્ય વ્યક્તિઓને પણ ચાર પાડોશીઓએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે.

મેંદરડા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રીટાબેન લવજીભાઇ માવદીયા (ઉ.વ.૪૦ રહે. સમઢીયાળા પ્લોટ વિસ્તાર રાજેશર રોડ હનુમાનપરા તા.મેંદરડા) એ તેમના પાડોશીઓ દિનેશભાઇ નાથાભાઇ માવદીયા, મુકતાબેન દીનેશભાઇ માવદીયા, મીતલબેન દીનેશભાઇ માવદીયા, કમલેશભાઇ રાણાભાઇ માવદીયા (રહે બધા સમઢીયાળા તા.મેંદરડા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ફરીયાદીના ઘર પાસે ગાળો બોલતા ફરીયાદીએ આરોપીને ગાળો બોલવાની ના પાડવા જતાં આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી એકદમ ઉશકેરાઇ જઇ લાકડી લઇ આવી ફરીયાદીને માથામાં લાકડીનો એક ઘા મારેલ તથા સાહેદો વચ્ચે છોડાવવા પડતાં સાહેદોને પણ આરોપીઓએ લાકડી તથા લાકડીની ગેબુ લઇ શરીરે લાકડી વતી તેમજ મુંઢમારની ઇજા કરી હતી.