૨૪ માર્ચ વિશ્વ ટીબી દિવસ :જૂનાગઢ જિલ્લામાં ૧૪૮૭ દર્દીઓ ટીબીની સારવાર હેઠળ

એક જમાનાનો રાજરોગ ટીબી સારવાર સરળ પરંતુ ગાફેલ રહો તો ઘાતક

ટી.બી. રોગીઓને પોષણ યુક્ત આહાર માટે માસીક રૂા.૫૦૦ સહાય ચુકવાઇ છે

૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટી.બી.ને તિલાંજલી આપવાનું લક્ષ્ય

જૂનાગઢ : જમાનાનો રાજરોગ ગણાતો ટી.બી. સમગ્ર વિશ્વ માટે જાહેર આરોગ્ય સમસ્યા છે. આ જાહેર સમસ્યાનું સમાધાન સરળ છે. ટી.બી.ની સારવાર પણ સરળ અને સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે. પરંતુ સારવારમાં ગાફેલ રહ્યા તો ટી.બી. કોઇપણ માણસ માટે ઘાતક બને છે જાન લેવા બને છે.જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૦૦ થી રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ ચાલે છે.વર્ષ ૨૦૦૦ થી ૨૦૨૧ સુધીમાં જિલ્લામાં ટી.બી.ના ૫૯૦૪૬ કેશો નોંધાયેલ જે પૈકી સારવાર હેઠળના ૫૧૩૯૭ દર્દિ રોગ મૂકત જાહેર કરવામાં આવ્યા છે.

ટી.બી. વિશ્વનો સૌથી વધુ પ્રચલિત રોગ છે. વેદ પુરાણો અને આયુર્વેદ સંહિતામાં પણ તેનો ઉલ્લેખ છે. સમગ્ર વિશ્વમાં ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઇ.સ.૧૮૮૨ માં તા.૨૪ માર્ચના રોજ ડો.રોબર્ટ કોચ દ્વારા સૌપ્રથમ ક્ષય ટી.બી. રોગના જંતુઓ શોધવામાં આવ્યા હતા. ત્યારબાદ દર વર્ષે ૨૪ માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

મુખ્યત્વે ટી.બી. સીગારેટ, તમાકુ સહિતના વધુ પડતા સેવનથી આ રોગ થતો જોવા મળે છે. જૂનાગઢ જિલ્લાની જ વાત કરીએ તો હાલ ૧૪૮૭ દર્દીઓ ટી.બી.ની સારવાર મેળવી રહ્યા છે. જેમાં જૂનાગઢ શહેરનાં ૬૫૯ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮૨૮ દર્દીઓ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં ૧,૧૫,૩૪૪ ટી.બી. પેશન્ટ છે. ટી.બી. પેશન્ટને સરકાર દ્વારા પોષણ યુક્ત આહાર માટે રૂા.૫૦૦ માસીક સહાય પણ ચુકવવામાં આવે છે.

ટી.બી. (માઇક્રોબેક્ટેરિયલ સુબરક્લોસીસ) નામના બેક્ટરીયાથી ફેલાઇ છે. જે સામાન્ય રીતે ફેફસા પર અસર કરે છે. જેને પલ્મોનરી ટી.બી. કહે છે. પરંતુ આ રોગ શરીરના કોઇપણ ભાગમાં અસર કરી શકે છે. અને ફેફસા સિવાય કોઇપણ અંગના ટી.બી. ને એકસ્ટ્રા પલ્મોનરી ટી.બી. કહે છે.

ટી.બી.ની બિમારીમાં સૌથી મોટુ લક્ષણ ઉધરસ છે. પરંતુ મોટા ભાગે લોકો સામાન્ય ઉધરસ સમજીને અવગણના કરે છે. પરંતુ જો તમને સતત ૨ અઠવાડિયા કે વધુ સમય સુધી ઉધરસ આવવાની સમસ્યા હોય અથવા સાંજના સમયે ઓછા તાપમાનથી તાવ આવવો, ભુખ ઓછી લાગવી, વજનમાં ઘટાડો થતો હોય, રાત્રે સુતા સમયે પરસેવો થતો હોય તો નજીકના સરકારી દવાખાને તપાસ કરાવી ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી ખુબ જરૂરી છે. દર્દિના ગળફાની તપાસમાંથી ટી.બી.નું નિદાન થાય છે. જે નજીકના અર્બન સેન્ટર કે કોઇપણ સરકારી દવાખાને વિનામૂલ્યે કરવામાં આવે છે.

ટી.બી. રોગને રોકવા ટી.બી.ના લક્ષણો ધરાવતા વ્યક્તિએ વહેલુ નિદાન કરાવવું જરૂરી છે.ટી.બી. પેશન્ટ બે અઠવાડિયા કે તેથી વધુ સારવાર લેતા તે દર્દિ મારફત બીજા દર્દીને ટી.બી. ફેલાવવાની શક્યતા શૂન્ય થઇ જાય છે. જે વ્યક્તિને ટી.બી. હોય તે વ્યક્તિ સાથે બંધ રૂમમાં ન રહેવું. ટી.બી. ના દર્દિની આસપાસ રહેવુ ફરજિયાત હોય તો માસ્ક અવશ્ય પહેરવું તેમ જૂનાગઢ મહાનગરપાલિકાના ટી.બી.ઓફિસર ડો.પાંડે એ જણાવ્યું હતું.

૨૦૨૫ સુધીમાં સમગ્ર દેશમાંથી ટી.બી.ને નાબુદ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. તેના માટે આપણે સૌએ જાગૃત થવું પડશે. ખાસ તો ટી.બી.ની અધુરી સારવાર લેનાર દર્દિ ખતરનાક રેજિસ્ટંટ ટી.બી. ફેલાવીને આખા સમાજ માટે ખતરા રૂપ બને છે. જો દર્દી સમજ પૂર્વક નિયમિત ૬, ૯ કે ૧૨ મહિના દવા લઇને ડોક્ટરની સલાહથી જ છેલ્લે દવા બંધ કરે તો જ સારવાર સફળ થાય છે. યાદ રાખો ટી.બી.ની બિમારી શ્વાસમાં ટી.બી.ના જંતુ જવાથી ફેલાય છે. ટી.બી.ની સમયસર સારવાર ન થવાથી એક દર્દિ ૧૫ થી ૨૦ જણને ટી.બી.નો ચેપ ફેલાવે છે. ટી.બી.નો કોર્સ અધુરો મુકવાથી ટી.બી. ફરી ઉથલો મારે છે અને પછી એની સારવાર કરવી ખુબ મુશ્કેલ અને ખર્ચાળ બની જાય છે.

આપણા દેશમાં દર મિનિટે એક વ્યક્તિ ટી.બી.થી મૃત્યુ પામે છે. મેલેરિયા, ડેન્ગ્યુ, એઇ્ડસ જેવા રોગથી થતા મૃત્યુ કરતા અનેક ગણુ વધુ છે ટી.બી.ના કેસ દિન પ્રતિદિન વધતા જાય છે. આથી ડબલ્યુએચઓ એ ટી.બી. અંગે ઇમરજન્સી જાહેર કરી છે.