જૂનાગઢ પોલીસે જાલીનોટ કાંડનો પર્દાફાશ કર્યો : રાજકોટ, જામનગર અને દ્વારકા સુધી પગેરું નીકળ્યું

મહાશિવરાત્રી મેળામાં ડુપ્લીકેટ 500ની નોટ સાથે ઝડપાયેલા આરોપીને ભવનાથ પોલીસે ઝડપી લીધા બાદ પોલીસ મૂળ સુધી પહોંચતા છ આરોપીના નામ ખુલ્યા ; ત્રણ ગિરફતમાં

જૂનાગઢ : જૂનાગઢ પોલીસે જાલીનોટ કાંડના રેકર્ટનો પર્દાફાશ કર્યો છે. જેમાં ભવનાથમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન 500ના દરની ડુપ્લીકેટ નોટ સાથે ઝડપાયેલા આરોપી સઘન પૂછપરછ કરી આ કૌભાંડના મૂળ સુધી પહોંચતા છ આરોપીઓના નામ બહાર આવ્યા છે. હાલ ત્રણ આરોપીને દબોચી લેવાયા છે. જાલીનોટ કાંડનું પગેરું રાજકોટ, જામનગર અને દ્વારકા સુધી નીકળ્યું છે. સાથેસાથે આરોપોઓ દેવું ઉતારવા માટે અને તાંત્રિક વિધિમાં નોટોનો વરસાદ કરવા માટે આ શોર્ટકર્ટ અપનાવ્યો હોવાનું બહાર આવ્યું છે.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબની સુચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના અને માર્ગદર્શન મુજબ ભવનાથ મેળા દરમ્યાન એક ઇસમને જાલીનોટો સાથે ભવનાથ પોલીસ દ્વારા પકડી પાડી PSI એમ.સી.ચુડાસમા દ્વારા ભવનાથ પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવેલ હતો.જે ગુનાની તપાસ એ.એમ.ગોહિલ, પોલીસ ઇન્સ. એસ.ઓ.જી. જૂનાગઢનાઓને સોપવા હુકમ થતા પોલીસ ઇન્સ. એસ.ઓ.જી.તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા આરોપી નરેન્દ્ર પાંચાભાઇ રામોલીયાની સઘન પુછપરછ કરી ભારતીય ચલણની બનાવટી નોટો છાપેલ જે સાધન સામગ્રી રાજકોટ ખાતે રાખેલ હોય જે આધારે આરોપીને સાથે લઇ જઇ રાજકોટ, નાલંદા સ્કુલ, વિરાટનગરમાં આવેલ સુશીલાબેન ઉર્ફે સુસીબેન મેરૂભાઇ રાઠોડ, સોરઠીયા રજપુતના રહેણાંક મકાનમાં દરોડા પાડ્યો હતો.

આ મકાનમાંથી રૂ.૫૦૦ ના દરની ભારતીય ચલણની તૈયાર થયેલ એક સરખા સીરીયલ નંબર વાળી બનાવટી નોટો નંગ-૩૦,એક સરખા સીરીયલ નંબર વાળી એક કાગળમાં ચાર બનાવટી ચાર નોટોની ઝેરોક્ષ પ્રિન્ટ નંગ-૧૧૯, ઝેરોક્ષ મશીન તથા કટર તથા ઝેરોક્ષ કરેલ બનાવટી નોટોના ટુકડાઓ તેમજ આરોપી સુશીલાબેનના પર્સમાંથી રૂ.૫૦૦ ના દરની ભારતીય ચલણની બનાવટી નોટો નંગ-૧ર કબજે કરવામાં આવેલ તેમજ આરોપી નરેન્દ્ર તથા સુશીલાબેનની સઘન પુછપરછ કરતા જાણવા મળેલ કે, પોતે તથા પારૂલબેન રહે. જામનગરવાળા તથા ભાવેશ ઉર્ફે ભુવો રહે રાજકોટ વાળાઓએ સાથે મળી પોતાનું દેવું – કરજ દુર કરવા તેમજ તાંત્રીક વિધિમાં નોટોનો વરસાદ કરવા માટે નોટો છાપવાનું નક્કી કરેલ અને નક્કી કર્યા મુજબ પારૂલબેન જામનગર વાળાએ કલર ઝેરોક્ષનું માર્ગદર્શન આપતા આરોપીઓ નરેન્દ્ર અને સુશીલાબેને કલર ઝેરોક્ષ મશીનની ખરીદી કરી તેમજ પારૂલબને કાગળો જામનગર ખાતેથી પુરા પાડેલ તેમ છતા વ્યવસ્થિત પ્રિન્ટ નિકળતી ન હોય જેથી પારૂલબેન રહે. જામનગરવાળીએ ટેકનિકલ બાબતોનો જાણકાર આદિત્ય રહે. દ્વારકા વાળાને નોટો છાપવા માટે મદદ કરવા મોકલતા આદિત્ય રહે. દ્વારકા વાળો રાજકોટ ખાતે આરોપી બહેન સુશીલાબેનના ઘરે જઇ લેપટોપ મારફતે કલર ઝેરોક્ષ મશીનમાંથી રૂ.૫૦૦/-ના દરની ભારતીય ચલણની બનાવટી નોટો છાપેલી. છાપેલ નોટોમાંથી ઉપરોક્ત ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.

જાલીનોટ કાંડમાં નીતિન પટેલ, રાજકોટ વાળાએ નોટો બજારમાં વટાવવા લીધેલી. જેથી કલમ ૪૮૯ (૬), ૪૮૯ (૫), ૧૨૦બી નો ઉમેરો કરી આરોપીઓ વિરૂધ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ હાલ તપાસ ચાલુ છે. હાલ પોલીસે આ કેસમાં નરેન્દ્ર પાંચાભાઇ રામોલીયા જાતે પટેલ ઉ.વ.૩૩ રહે.અનીડાવાછરા,તા.કોટડાસાંગાણી જિ.રાજકોટ (હાલ) ઢેબરરોડ, ખોડીયાર ઇન્ડસ્ટ્રી એરીયા,રાજકોટ, સુશીલાબેન ઉર્ફે સુસીબેન મેરૂભાઇ રાઠોડ રહે. નાલંદા સ્કુલની બાજુમાં,વિરાટનગર, શેરીનં.૬, રાજકોટ, પારૂલબેન પરેશભાઇ ચૌહાણ ઉ.વ.-૪૨, રહે.માતૃઆશિષ સોસાયટી શેરીનં.૧, નવાગામઘેડ, ડેન્ટલ હોસ્પિટલ પાછળ, જામનગર તથા ભાવેશ ઉર્ફે ભુવો મણીકભાઇ મકવાણા રહે.અણીટીંબાજી. રાજકોટ અને ભીખુભાઇ ઉર્ફે આદિત્ય રામજીભાઇ રાઠોડ રહે. દ્વારકા, શીવરાજસિંહ રોડ, જુની નગરપાલીકા પાછળ તેમજ નિતીન પટેલ, રહે. રાજકોટ શહેર સામે ગુન્હો નોંધી આરોપીઓ પાસેથી ઝેરોક્ષ મશીનકિ.રૂ.૪૦,૦૦૦, સ્ટેબિલાઇઝર કિ.રૂ.૨૦૦, કોરા કાગળો નંગ-૭૫૭, અલગ-અલગ સીરીયલ નંબરો વાળી રૂ.૫૦૦/-ના દરની ભારતીય ચલણની બનાવટી તૈયાર નોટો નંગ-૪૨ કિ.રૂ. ૨૧૦૦૦, રૂ.૫૦૦ ના દરની સરખા સીરીયલ નં. વાળી ભારતીય ચલણની ચાર બનાવટી નોટોની કલર ઝેરોક્ષ નંગ-૧૧૯ કિ.રૂ.૨,૩૮,૦૦૦, ફુટ પટ્ટી નંગ-૨, છ મોટું કટર-૧, નાના કટરો નંગ-ર, રૂ.૫૦૦ ના દરની ભારતીય ચલણની બનાવટી નોટોની અસ્ત વ્યસ્ત ઝેરોક્ષ નકલો, રૂ.૫૦૦ના દરની ભારતીય ચલણની બનાવટી નોટોના ટુકડાઓ તથા નોટો કટીંગ કરેલ વધેલ ટુકડાઓનું બાચકું-૧ મળી કુલ કિ.રૂ.૨,૯૯,૨૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એ.એમ.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા તથા એમ.જે.કોડીયાતર, એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ, સામતભાઇ બારીયા તથા પો.હેડકોન્સ, દિપકભાઇ જાની, મજીદખાન પઠાણ, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, બાબુભાઇ કોડીયાતર, અનિરૂધ્ધસિંહ વાંક તથા પો.કોન્સ, મહેન્દ્રભાઇ ડેર, ધર્મેશભાઇ વાઢેળ, રવીરાજ વાળા, માનસિંગ રાઠોડ, કુણાલ પરમાર, રોહીતસિંહ બારડ, મયુર ઓડેદરા, બ્રિન્દાબેન ગીરનારા, જયેશભાઇ બકોત્રા વિશાલ ડાંગર સહિતનો સ્ટાફ જોડાયો હતો.