રસ્તા ઉપર પડેલ બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા મહિલાનું મોત

મેંદરડાના માનપુર ગામે શીવમ અગરબતી પાસે અકસ્માતના બનાવમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : મેંદરડાના માનપુર ગામે શીવમ અગરબતી પાસે રસ્તા ઉપર પડેલ બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મેંદરડા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અતુલભાઇ બટુકભાઇ વસાણી (ઉ.વ.૩૮ રહે. ગીરનાર સોસાયટી શેરી નંબર-૨ બન શેરી ખીજડાવાડો મેઇન રોડ રાજકોટ) એ આરોપી હિતેશભાઇ ધનજીભાઇ લાઠીયા (રહે.રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પોતાના હવાલાવાળી ફોરવ્હીલ કાર સ્વીફ્ટ જેના નં. GJ-11-S-5449 વાળીને પુરઝડપે અને બેફીકરાઇથી ગફલતભરી રીતે ચલાવી ગઈકાલે મેંદરડાના માનપુર ગામે શીવમ અગરબતી પાસે રસ્તા ઉપર પડેલ બંધ ટ્રક રજી.નંબર GJ-18-X-9091 વાળાની પાછળ ભટકાવી ફોરવ્હીલમાં બેસેલ સાહેદ કર્મને શરીરે નાની મોટી ઇજા કરી તથા ધર્મીષ્ઠાબેન હિતેશભાઇ લાઠીયા (રહે.રાજકોટ) વાળાને શરીરે ગંભીર ઇજા થતા તેમનું મોત નીપજયુ હતું.