૨૭મીએ બોર્ડના વિદ્યાર્થીઓ નિયત સમયે પરીક્ષા સ્થળ પર સીટ નંબર જોઇ શકશે

જૂનાગઢ : તા.૧૭ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી તા.૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી લેવાશે. જે પહેલા વનરક્ષકની પરીક્ષા તા.૨૭ માર્ચના બપોરના ૧૨ થી ૨ વાગ્યા સુધી લેવાશે. આથી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તેમના પરીક્ષા સ્થળ પર પોતાના સીટ નંબર બપોરના ૩-૩૦ થી ૬-૩૦ સુધી જોઇ શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમિયાન ધો.૧૦ અને ૧૨(વિ.પ્ર./સા.પ્ર)ની જાહેર પરીક્ષાઓ લેવાનાર છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિડિયો કોન્ફરન્સમાં મળેલ સૂચના મુજબ તા.૨૭/૦૩/૨૦૨૨ના રોજ ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા આયોજિત વન સંવર્ગ-૩ની પરીક્ષા બપોરે ૧૨ થી ૨ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના શહેર અને ગ્રામ્યના બિલ્ડીંગો ખાતે યોજાનાર છે. આ પરીક્ષા સ્થળોનો ઉપયોગ ધો.૧૦ અને ધો.૧૨ના પરીક્ષા સ્થળોમાં પણ સમાવેશ કરવામાં આવેલ છે. આથી આ કેન્દ્રમાં આવતા પરીક્ષા સ્થળના તમામ વિદ્યાર્થીઓએ તેમના પરીક્ષા સ્થળ અને સીટ નંબર જોવા માટે બપોરે ૩-૩૦ થી ૬-૩૦ કલાક દરમિયાન તેમના સીટ નંબર જોઇ શકશે. જેની તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યઓએ નોંધ લેવા જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.