“તારા છોકરા સામે અમે અરજી કરી છે, તેનું સમાધાન કરવું હોય તો રૂપિયા આપવા પડશે” કહી મહિલા પર હુમલો

જૂનાગઢના સૈયદવાળા વિસ્તારમાં પુત્રના પ્રેમ સબંધ મામલે તેની માતા ઉપર પાંચ શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના સૈયદવાળા વિસ્તારમાં પુત્રના પ્રેમ સબંધ મામલે તેની માતા ઉપર પાંચ શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આજે તારા છોકરા સામે અમે અરજી કરી છે, તેનું સમાધાન કરવું હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી મહિલા પર હુમલો કરતા ગંભીર ઇજા થવાથી મહિલાને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ શહેરના સૈયદવાળા વિસ્તારમાં રહેતા અમીનાબેન અલ્લારખાભાઈ સોલંકી નામના મહિલા તેમના ઘરે હતાં. તે સમયે તેમના ઘરે નરેન્દ્ર ઉર્ફે ડગલું તથા તેની પત્ની અને ત્રણ અજાણ્યા શખ્સો નામનો આવીને મહિલા કહ્યું કે, તમારા દીકરા શાબાજની સામે અમે અરજી કરી છે. આ બાબતે જો તમારે સમાધાન કરવું હોય તો રૂપિયા આપવા પડશે નહીંતર જાનથી મારી નાખીશ એમ કહી મહિલા અમીનાબેનને ડગલું નામનો વ્યક્તિ અને તેની પત્ની અને અન્ય ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને છરીથી હુમલો કર્યો હતો. મહિલા ઉપર હુમલો કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બાદ ઇજાગ્રસ્ત મહિલાને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મહિલા ઉપર હુમલો થયાની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઇજાગ્રસ્ત મહિલાએ હોસ્પિટલના બિછાનેથી નરેન્દ્ર ઉર્ફે ડગલું તથા તેની પત્ની અને ત્રણ અજાણ્યા શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના દીકરા શાબાજને અગાઉ આરોપી નરેન્દ્ર ઉર્ફે ડગલુંની દીકરી સાથે સબંધ હતા. આ વાતનું મનદુઃખ રાખીને હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે મહિલાની ફરિયાદ પરથી પાંચેય આરોપીઓને ઝડપી લેવા દોડધામ આદરી છે.