દસ ટકાનું ભારેખમ વ્યાજ ન ચૂકવી શકતા વેપારીએ જીવ દીધો

જૂનાગઢના મધુરમ કામનાથ નગર વિસ્તારમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મરવા મજબૂર કર્યાની ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢમાં ચામડાતોડ વ્યાજખોરોના વ્યાજના નાગચુડમાં ફસાયેલા મધ્યમવર્ગીય લોકોને પોતાની મહામૂલી જિંદગી ગુમાવવાની નોબત આવી છે. જેમાં એક વેપારીએ ધંધો વધારવા માટે દસ ટકા વ્યાજે રૂપિયા લીધા બાદ ત્રણ વ્યાજખોરોએ એટલી હદે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી કે, વેપારીને જીવ દેવો પડ્યો હતો. આ બનાવ અંગે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મરવા મજબૂર કર્યાની ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કશ્યપભાઈ મોહનભાઈ ભટ્ટ (ઉં.વ. ૪૮ રહે. મધુરમ કામનાથનગર શેરી નંબર ૧ અમીપાન વાળી ગલી જૂનાગઢ) એ આરોપીઓ ધવલભાઈ કિશોરભાઈ મહેતા, સુરેશભાઈ ભગુભાઈ વાંદા, અલ્કાબેન મગનભાઈ પુરોહીત (રહે. બધા જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, વેપારી નિલેષભાઇ મોહનભાઇ ભટ્ટ (ઉં.વ. ૫૨)એ ધંધા માટે એક આરોપી પાસેથી ૧૦% લેખે કુલ રૂ. ૯૫,૦૦૦ વ્યાજે લીધેલ હતા.

જે રૂપિયા વ્યાજ સહિત ચૂકવવા માટે બીજા આરોપી પાસેથી ૧૦% લેખે રૂપિયા ૩,૫૦,૦૦૦/- લીધેલ જે રૂપિયા એક આરોપીને આપેલ આમ છતાં એ આરોપીએ વધુ વ્યાજના રૂ. ૩,૮૦,૦૦૦ ની માંગણી કરેલ તેમજ બન્ને આરોપીઓ વ્યાજના રૂપિયા માગતા હોવાથી તેઓએ ત્રીજા આરોપી પાસેથી રૂ. ૫૦,૦૦૦ વ્યાજે લીધેલ જેના એ આરોપી રૂપિયા આઠ લાખ માગતા હોય આમ ત્રણેય આરોપીઓએ વ્યાજે આપેલ રૂપિયા બાબતે વેપારીને અવાર-નવાર ધમકાવી માનસિક ત્રાસ આપેલ જે માનસિક ત્રાસ સહન કરી શકેલ નહીં અને આરોપીઓએ એટલી હદે વ્યાજના રૂપિયા બાબતે વેપારીને ત્રાસ આપેલ અને મરવા મજબૂર કરતા આ કામના વેપારી પોતે પોતાની મેળે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.