જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળામાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોનાની વેકસીન અપાઇ

આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા શાળાએ જઇ બાળકોને કોરબીવેક્સ રસી આપી

કોરોનાથી બચવા દરેક બાળકોએ મારી જેમ રસી લેવી જરૂરી છે – વિદ્યાર્થી

જૂનાગઢ : ભારત સરકાર દ્વારા તા.૧૬ માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરાયુ છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને શાળામાં કોરબીવેક્સ રસી આપવામાં આવી રહી છે.જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ અને જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા તા.૧૬ માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના પીએચસી, અર્બન સેન્ટર સહિતના સ્ટાફ દ્વારા શાળાએ જઇ ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોનાની કોરબીવેક્સ રસી આપવામાં આવી રહી છે.

જેમાં મેંદરડા તાલુકાના દાત્રાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.જે.એ.ભરડવાના માર્ગદર્શન હેઠળ MPHW રઘુવીર ગોવાડિયા, ANM પી.જે.મહેતા, આશા બહેન દ્વારા પ્રાથમિક શાળાના ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને શાળાના આચાર્ય હિનાબહેન અને શિક્ષકોની મદદથી કોરોનાની રસી આપવામાં આવી હતી. શાળામાં વેઇટીંગ રૂમ, વેકસીન રૂમ,ઓબઝર્વેશન રૂમની સુવિધા આપવામાં આવી હતી.

આ તકે આરોગ્ય વિભાગના MPHW ગોવાડિયાએ જણાવ્યુ હતું કે, ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરબીવેક્સ રસી મળી રહે તે માટે સ્ટાફ દ્વારા શાળામાં વેકસીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.જેમાં બાળકો તેમના વાલીની મંજૂરી અને આધારકાર્ડ અથવા શાળાના ઓળખપત્ર હોય તો તેમને વેકસીન આપવામાં આવી રહી છે. આજે ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને શાળાના સ્ટાફની મદદથી વેકસીન આપવામાં આવી રહી છે.

કોરોનાની રસી લેનાર બાળક અભય ચૌહાણે જણાવ્યું હતું કે,આજે અમારી શાળામાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોનાની રસી આપતા હતા. હું ધો.૮ માં અભ્યાસ કરૂ છું અને મારી ઉંમર ૧૪ વર્ષની થતી હોવાથી મારા માતા-પિતાની મંજૂરીથી આજે હુ કોરોનાની રસી લઇ રક્ષિત થયો છું.મારા પરિવારમાં પણ બધા સભ્યોએ વેકસીન લઇ લીધી છે. હું અન્ય બાળકોને જણાવું કે, ઇન્જેક્શનથી ડરશો નહિ વેકસીન આપે ત્યારે ખબર પણ પડતી નથી અને દુઃખાવો પણ થતો નથી.આથી કોરોનાથી રક્ષિત થવા માટે બાળકોએ વેકસીન લેવી જરૂરી છે.