જૂનાગઢમાં ત્રણ દિવસની પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઇ

તજજ્ઞો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

જૂનાગઢ : પ્રાકૃતિક કૃષિ બાબત કાર્યશાળા સ્વામીનારાયણ મંદિર જવાહર રોડ, જૂનાગઢ ખાતે તા.૧૧ થી ૧૩ માર્ચ સુધી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ અને સહકાર વિભાગ, આત્મા પ્રોજેક્ટ, ગાંધીનગર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પ્રાકૃતિક ખેતી સંયોજક સમિતિ દ્વારા આ ત્રણ દિવસમાં તાલીમ કાર્યશાળા યોજાઈ હતી.

આ તાલીમ કાર્યશાળાને સંબોધન કરતા કૃષિ યુનિવર્સિટીના કુલપત ડો.નરેન્દ્રકુમાર ગોંટીયાએ જણાવ્યું કે, આપણા પાક અને વૃક્ષ-છોડની વૃદ્ધિ માટે અને ઈચ્છિત ઉપજ લેવા માટે જે કઈ સંસાધનની જરૂર પડે તેની આપૂર્તિ માનવ કરે તે જરૂરી છે. સૌરાષ્ટ્રમાં પ્રાકૃતિક ખેતી માટેનો વેગ આજથી આ ત્રણ દિવસની તાલીમમાંથી મળશે એ પણ આ પવિત્ર ભૂમિમાંથી શરૂઆત થઇ છે.આ પ્રસંગે પુ.કુંજવિહારી દાસજી સ્વામીએ જણાવ્યું કે, માનવ જીવનને બચાવવું હોય તો એક માત્ર પ્રાકૃતિક ખેતી જરૂરી છે.

ગુજરાત પ્રાકૃતિક ખેતીના સંયોજક પ્રફુલભાઈ સેજલીયા એ જણાવ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવૃતના અભિગમ તથા પ્રેરણાથી ગુજરાતમાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. અને હજું પણ વધુમાં વધુ ખેતી તરફ વળે તેની માટે વિનંતી છે.

આ પ્રસંગે ડો.એચ.એન.ગાજીપરાએ કહ્યું કે, મુખ્ય પાકને ખર્ચો આંતરપાક/સહ પાકના ઉત્પાદનમાંથી નીકળી જવો જોઈએ અને મુખ્ય પાક ચોખા નફામાં રહે તેવી રીતે પાકના વાવેતરનું વ્યવસ્થાપન કરવું તેમજ એન.એમ.કાસુન્દ્રા સયુંકત ખેતી નિયામક (જૂનાગઢ) અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરે જણાવ્યું કે, આપણે છેવટે આ પધ્ધતિ અપનાવવી જ પડશે ઝેર મુકત ખેતીથી જ ભાવી પેઢીને બચાવી શકીશું. કેવલ્ય સ્વરૂપ સ્વામીએ પ્રકૃતિક કૃષિના નિયમો જેવા કે બજારમાંથી કઈ પણ ખરીદીને ખેતરમાં નાખવાનું નથી. જે કઈ પણ સંસાધનની જરૂર હોય તેની નિર્મિતિ કારખાનામાં કરવાની નથી પરંતુ, પોતાના ઘરે અથવા ખેતરે કરવાની છે. સંસ્થાનનિર્માણ માટેનો કાચો માલ પણ બજારમાંથી ખરીદવાનો નથી, આપના ખેતર, ઘર અથવા ગામમાંથી જ લાવીશું. જે કોઈ સંસ્થાન આપણે ઉપયોગમાં લેશું તે જીવ, જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન ન કરતા હોવા જોઈએ. તે વિષે વિગતવાર માહિતી આપી હતી.

આ કાર્યશાળામાં, દેવનંદનદાસજી, ધર્મ કિશોરસ્વામી, નંદકિશોર સ્વામી, ડો.ડી.આર. મહેતા, ડો.એલ.જી.સાવલીયા, ડો.સી.ડી.લખલાણી, ડો.ડી.કે.વરૂ, રમેશભાઈ સાવલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રમાંથી આવેલા ૧૬૯૦ ગ્રામ્ય મિત્રો (ખેડૂતો) એ આ ત્રણ દિવસીય તાલીમ કાર્યશાળાનો લાભ લીધો હતો.