ગુંદાળા ગામનો ખેડૂત પુત્ર બન્યો પાયલોટ, આકાશને આંબવાની આકાંક્ષાને કરી સાકાર

ખેડૂત પુત્ર હર્ષ વેગડના પાયલોટ બનવાના સપનાને સરકારે રૂા.૨૫ લાખ આપી સાકાર કર્યુ

ખેડૂતપુત્ર હર્ષની જમીનથી હવાઇ સફર

જૂનાગઢ : મેંદરડા તાલુકાના ગુંદાળા ગામના ખેડૂત પુત્ર હર્ષ વેગડે રાજ્ય સરકારની સહાયથી પાયલોટ બનવાનું સપનું પુરૂ કર્યું છે. પાયલોટ બની આકાશની ઊંચી ઉડાનના સપના પુરા કરવા માટે સરકારે કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજના અમલમાં મુકી છે. આથી ખેડૂતપુત્ર હર્ષની જમીનથી હવાઇ સફર શક્ય બની છે.

હર્ષના પિતા ગુંદાળામાં ૧૦ એકર જમીન ધરાવે છે. તેઓ કહે છે કે, આર્થિક સંકડામણના કારણે મે પાયલોટ બનવાનું સ્વપ્ન માંડી વાળ્યું હતું. અને એન્જીનીયરનો અભ્યાસ કરવાનુ નક્કી કરેલ. પરંતુ સરકારની આ યોજના થકી હું પાયલોટ બની મારૂ અને પરિવારનું સ્વપ્ન સાકાર કર્યું છે. મેંદરડા તાલુકાના ગુંદાળાના વતની હર્ષ વેગડ ધો.૧૦માં શ્રેષ્ઠ પરિણામ અને ધો.૧૨ સાયન્સમાં ૮૨ ટકા સાથે ઉર્તીણ થયેલ છે. તેમના પિતા જગદીશભાઇ વેગડ ખેતી કરે છે. માતા રસીલાબેન ગૃહિણી છે. જ્યારે મોટા ભાઇ ફાયર સેફ્ટી ઓફિસર છે.
સામાન્ય કે મધ્યમ પરિવારના બાળકો માટે આજના સમયમાં શિક્ષણ મેળવવું સરળ રહયુ નથી. ત્યારે ઉચ્ચશિક્ષણ, ટેક્નીકલ શિક્ષણ આપવું એ અશક્ય થઇ જતું હોય છે. આર્થિક પરીબળના કારણે કોઇ તેજસ્વી બાળક ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે એ માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. અને સરકારના આર્થિક સહયોગથી સામાન્ય કે મધ્યમ પરિવારનુ એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તેની પુરી વ્યવસ્થા કરવામાં આવી છે.

કોમર્શિયલ પાયલોટ યોજના થકી પાયલોટ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરનાર હર્ષ કહે છે, પાયલોટની ટ્રેનીંગ ખુબ જ ખર્ચાળ છે. હાલ મારૂ લાઇસન્સ આવી ગયું છે. હજુ આગળ ઇન્ટરનેશનલ તાલીમ મારે લેવી છે. પાયલોટ બનવા માટે રીડીંગ, ગ્રાઉન્ડની તાલીમ ઘર બેઠા થઇ જાય છે. પરંતુ ફ્લાઇંગ ટ્રેનીંગ માટે વધુ ખર્ચ થાય છે. ૧ વર્ષમાં ૨૦૦ કલાક ફ્લાઇંગ કરવાનું હોય છે. મધ્યમ વર્ગના વિદ્યાર્થી માટે આર્થિક સહાય વગર આ પ્રકારની તાલીમ લેવી શકય ન બની શકે. બીજો કોર્ષ કે અભ્યાસ પસંદ કરવો પડતો હોય છે.

જાહેર સ્થળો ઉપરની સરકારની જાહેરાતે યુવાનનું સપનું સાકાર કર્યુ

નાનપણથી જ મને પાઈલોટ બનવાનું સ્વપ્ન હતું. પરંતુ મારા પિતાશ્રીની આર્થિક પરિસ્થિતિ મારા અભ્યાસ ને પૂરી કરી શકાય તેવી ન હતી, તેથી મેં આ અભ્યાસ બંધ રાખીને એન્જિનિયર બનવાનું નક્કી કરેલ. આ દરમિયાન મને એસ.ટી.બસ સ્ટેન્ડમાં ગુજરાત સરકાર કોમર્શિયલ પાયલોટ બનવા માટે રૂપિયા ૨૫ લાખ સુધીની સહાય કરે છે તે જાહેરાતનું બેનર વાચેલ, તેથી મે નાયબ નિયામક વિકસતી જાતિ જૂનાગઢશ્રી એ. કે. પરમાર તથા એચ. જી. વસોયાનો સંપર્ક કર્યો હતો. તેઓના પૂર્ણ સહયોગ અને માર્ગદર્શનથી ટૂંકા સમયગાળામાં લોન મળી, ત્યાર પછીના એક વર્ષમાં મેં સફળતા પૂર્વક પાયલોટની તાલીમ પૂર્ણ કરી અને મારૂ પાયલોટ બનવાનું સપનું સાકાર કર્યું.

યોજના અંગે જાણકારી
રાજ્ય સરકાર દ્રારા અનુસૂચિત જાતિના યુવાનોને પાયલોટ બનવા માટે આ યોજના અમલમાં મુકી છે. કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજનામાં આવક મર્યાદા નથી. પાત્રતાના ધોરણોમાં કોમર્શિયલ પાયલટ લાઇસન્સની તાલીમ મેળવવા ઇચ્છતા ઉમેદવારે મેટ્રીક્યુલેશન અથવા હાયર સેકન્ડરી સ્કુલ સર્ટીફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ. આ યોજનામાં અરજદારને રૂા.૨૫ લાખની લોન ૪ ટકાના વ્યાજના દરે આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએથી અરજી ભલામણ સહ e-samajkalyan.gujarat.gov.in ઉપર મળ્યેથી નિયમોનુસાર નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ મંજુર કરે છે. અરજી કરતી વખતે વિવિધ પુરાવા રજૂ કરવા
કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજના માટે અરજદારે નિયત નમુનાનું અરજી પત્રક(ઓનલાઇન પ્રિન્ટ), જાતિ અંગેનો દાખલો-શાળા છોડ્યાનું પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ, આવકના દાખલાની પ્રમાણિત નકલ સહિત વિવિધ ૨૨ જેટલા પુરાવા રજૂ કરવાના હોય છે.