વિસાવદર હસનાપુરમાં વનવિભાગના આરએફઓ અને સ્ટાફ પર હુમલો

કવાટર્સની હરરાજી સમયે એક શખ્સે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ, સામાપક્ષે ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગે ખોટી ફરિયાદ કરી હોવાનું જણાવી તેમના વિરુદ્ધ લડત ચલાવવાનું એલાન કર્યું

જૂનાગઢ : વિસાવદર હસનાપુરમાં વનવિભાગના કવાટર્સની હરરાજી સમયે એક શખ્સે વનવિભાગના આરએફઓ અને સ્ટાફ પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા સામાપક્ષે ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગ સામે મોરચો માંડી આક્ષેપોની ઝંડી વરસાવી છે. જેમાં ગ્રામજનો ફોરેસ્ટ વિભાગે ખોટી ફરિયાદ કરી હોવાનું જણાવી તેમના વિરુદ્ધ લડત ચલાવવાનું એલાન કર્યું છે. આથી આ મામલે વનવિભાગ અને ગ્રામજનો સામસામે આવી જતા ભારે ગરમાગરમી સર્જાઈ છે.

વિસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફોરેસ્ટ વિભાગના વિક્રાંતસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા (ઉ.વ.૩૭ રહે.વિસાવદર,હનુમાન પરા ફોરેસ્ટ કોલોની તા.વિસાવદર) એ આરોપી હરેશભાઇ વલ્લભદાસ ગોંડલીયા (રહે.હસ્નાપુર તા.વિસાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદી તથા સાહેદોને વિસાવદરના હસ્નાપુર ગામે ક્વાટર્સની હરાજી દરમ્યાન મને કેમ જાણ કરેલ નથી અને હરાજીની યોગ્ય કાર્યવાહી કરેલ નથી તેમ કહી ઉશ્કેરાઇ જઇ ફરીયાદી ફોરેસ્ટર તથા સ્ટાફને જેમફાવે તેમ ભુંડી ગાળો બોલી હુમલો કરી ફરીયાદી તથા સાહેદોની વર્ધીની કોલરો પકડી ફરીયાદીની પહેરેલ મોતીની માળા તોડી નાખી નુકશાની કરી અને જતા જતા બધાને જોઇ લઇસ તેવી ધમકી આપી કાયદેસરની ફરજમા રૂકાવટ કરી હતી.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર વનવિભાગના આરએફઓ. અને સ્ટાફ પર હુમલાની ઘટના સામે ગ્રામજનો મેદાને આવ્યા છે. સ્થાનિક શખ્સે હરરાજીની પ્રક્રિયાને યોગ્ય ન હોવાના આક્ષેપ સાથે હુમલો કર્યાની વનવિભાગની ફરિયાદને ગ્રામજનોએ ખોટી ગણાવી હતી અને વન વિભાગે હસનાપુરમાં આતંક મચાવ્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. તેમજ વનવિભાગના અધિકારીઓએ હસ્નાપુર ગામને સળગાવી દેવા આપી ધમકી આપી હોવાનો પણ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. આથી વનવિભાગ અને ગ્રામજનો હવે આમને-સામને આવી ગયા છે. આ બનાવને પગકે ગતરાત્રે જ હસ્નાપુર ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા બાદ આજે ગામ સમસ્ત રેલી યોજી વનવિભાગ વિરુદ્ધ આપવામાં આવેદનપત્ર આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

વધુમાં વનવિભાગના અધિકારીઓએ સામે પણ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે અને વનવિભાગના ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી હોવાથી ખોટી ફરિયાદ કરી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કરી લડત ચલાવવાનું એલાન કરતા કોંગ્રેસના આગેવાનોએ હસ્નાપુર ગ્રામજનોને ટેકો જાહેર કરતા આ મુદ્દે આગામી સમયમાં ભારે નવાજુની થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે.