જૂનાગઢ જિલ્લામાં ૭ વર્ષમાં ૭૨૦૧ મહિલાને વ્હારે પહોંચી ૧૮૧ની ટીમ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જૂનાગઢ જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવાને સફળતાપૂર્વક ૭ વર્ષ પૂર્ણ

૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે આશીર્વાદ સમાન

જૂનાગઢ : મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-સુચન તેમજ માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈનની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી.

જેમાં જૂનાગઢ જિલ્લામાં પણ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવાને સફળતાના ૭ વર્ષ પૂર્ણ થયા છે. જેમાં જિલ્લામાં કુલ ૨૭૮૫૫ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની કામગીરી કરવામાં આવે છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ જઇને ૭૨૦૧ જેટલી મહિલાઓને મદદ પુરી પાડી છે. છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલ મુખ્ય કેસોમાં ઘરેલું હિંસાના ૭૮૩, લગ્ન જીવન વિખવાદના ૪૭,આડોશીપાડોશી સાથેના ઝગડાના ૯૫, બાળકની કસ્ટડી માટેના ૫૬, ફોન પર કે શારીરિક પજવણીના ૨૦, ઘરેથી નીકળી ગયેલા,ભૂલા પડેલા-બિન વારસ માનસિક અસ્વસ્થના ૫૩, તેમજ અન્ય પ્રકારના ૫૭ થી વધુ કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરી પીડિતાઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવેલ છે.

આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. કાઉન્સિલર અરૂણા કોલડિયા, પ્રિયંકા ચાવડા દ્વારા પીડિત મહિલાઓનું કાઉન્સેલીંગ કરી, કાયદાકીય માર્ગદર્શન, આત્મહત્યાનું વિચારી ઘરેથી નીકળેલ વૃદ્વાને સમજાવી તેની સમસ્યાનું નિરાકરણ લાવેલ, મૈત્રીકરારથી રહેતી યુવતીને મુક્ત કરી આગળની કાર્યવાહી કે પછી પીડિતાને સખીવન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવા જેવી કામગીરી કરવામાં આવી હતી.

 ૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા:
 મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
 ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.
 પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
 મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.

 મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
 ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ ની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા
 જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રૃહ સહિત મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
 કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
 મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
 શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
 લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
 જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
 કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
 માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
 આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો