જૂનાગઢ જિલ્લામાં ૩૯૫૦૮ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

૩૪ પરીક્ષા કેન્દ્રો ૨૬૩ બિલ્ડીંગ : તમામ બિલ્ડીગો સીસીટીવી કેમેરાથી સજ્જ

જૂનાગઢ : સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં તા.૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે. જેમાં કુલ ૩૯૫૦૮ વિદ્યાર્થીઓ કારકિર્દી માટે મહત્વની પરીક્ષા આપશે ઉપરાંત એક હજાર જેટલા ખાનગી ઉમેદવારો પણ પરીક્ષા આપશે.

કુલ ૩૯૫૦૮ વિદ્યાર્થીઓમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ ૨૮૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ ૧૨,૫૮૨, ધો.૧૦ ના ૨૪,૧૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લામાં કુલ ૩૪ પરીક્ષા કેન્દ્રો અને ૨૬૩ બિલ્ડીંગ નિયત કરવામાં આવ્યા છે. આ તમામ બિલ્ડીંગો સીસીટીવી કેમેરાથી સજ્જ છે.

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ગઇકાલે જિલ્લા પરીક્ષા સમિતિની કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રચિત રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઇ મુશ્કેલી ન પડે તેનું સૂચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢ શહેરને જોષીપરા, ગીરનાર, અક્ષરવાડી અને દાતાર એમ ૪ ઝોનમાં વહેંચી તમામ વિદ્યાર્થીઓને ૧ થી ૨.૫ કિ.મી. દાયરામાં પરીક્ષા કેન્દ્ર મળી રહે તેવું જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય અને તેમની ટીમ દ્વારા આયોજન કરાયું છે. તેમજ પેપર ચકાસણી માટે પણ જૂનાગઢ અને કેશોદમાં વધુ કેન્દ્ર રાખવામાં આવ્યા છે જેથી શિક્ષકોને પણ અનુકુળતા રહે. ઉપરાંત બોર્ડથી સ્કુલ સુધી તેમજ પરીક્ષા સ્થળથી મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર સુધી પેપર માટે જીપીઆરએસ અને ટ્રેકીંગ સીસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ગેરરીતી નિવારી શકાય.

જિલ્લામાં એક હજાર જેટલા ખાનગી ઉમેદવારો પણ પરીક્ષા આપશે. ધો.૭ ઉપરના ધો.૧૦ ની અને ૧૦ પાસ ઉમેદવાર ધો.૧૨ની પરીક્ષા ખાનગી ઉમેદવાર તરીકે આપતા હોય છે તેમ શ્રી ઉપાધ્યાયે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર ન લાગે તેમજ મૂક્ત વાતાવરણમાં પરીક્ષા યોજાઇ તેવું સૂચારૂ આયોજન કરાયું છે.

ધો.૧૦ અને ધો.૧૨ બન્ને પરીક્ષાના જિલ્લામાં કેશોદ અને જૂનાગઢ એમ બે ઝોન પાડવામાં આવ્યા છે. જિલ્લામાં સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા ચોરીના દુષણને નિવારવા વિશેષ વ્યવસ્થા રખાશે. પરીક્ષા કેન્દ્ર અને બિલ્ડીંગ પર પીવાના પાણીની વ્યવસ્થા, સૂચારૂ બેઠક વ્યવસ્થા તેમજ કોવિડ પ્રોટોકોલની પણ કાળજી લેવાશે. જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગના વર્ગ-૨ ના અધિકારી કન્ટ્રોલ રૂમ ઇન્ચાર્જ તરીકે તેમજ કોવિડ કો-ઓર્ડિનેટર માટે પણ વર્ગ-૨ ના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.