ગિરનાર ક્ષેત્રના સાત્વિક સંત પુનિતાચારીજીનો જીવનદીપ બુઝાયો

સંત પુનિતાચારીજીનો પાર્થિવદેહ આશ્રમમાં અંતિમ દર્શન માટે રખાયો

જૂનાગઢ : ગિરનાર ક્ષેત્રના સાત્વિક સંત પુનિતાચારીજીનો આજે જીવનદીપ બુઝાયો છે. આથી હજારો ભક્તોમાં ભારે શોક વ્યાપી ગયો છે. જો કે સંત પુનિતાચારીજીનો પાર્થિવદેહ આશ્રમમાં અંતિમ દર્શન માટે રખાયો હોવાથી ભક્તો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે.

જૂનાગઢના ગિરનાર સાધના આશ્રમના આદ્યસ્થાપક સંત પુનિતાચારીજી આજે દેવલોક પામ્યા છે. આથી જૂનાગઢના સમસ્ત સાધુ સમાજ અને ભક્તગણોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ ગિરનાર ક્ષેત્રના સાત્વિક સંત તરીકે જાણીતા હતા, સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા.આ ઉપરાંત સંત પુનિતાચારીજી ગુરૂદત્ત મહારાજના ઉપાસક હતા. તેમજ વરદાની મહામંત્ર હરિ ૐ તત્સત જયગુરુદત્તના પ્રણેતા ગિરનાર સાધના આશ્રમ જૂનાગઢના આદ્યસ્થાપક હતા. તેમના પુનિત આશ્રમમાં દેશ વિદેશથી પણ ઘણાં લોકો યોગ અને ધ્યાન માટે આવે છે. કોરોના કાળમાં તેઓએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા, તેમના ત્રિમૂર્તિ સેવા ટ્રસ્ટ અંતર્ગત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. સંત પુનિતાચારીજીનો પાર્થિવદેહ આશ્રમમાં અંતિમ દર્શન માટે રખાયો છે. ત્યારે પુનિત આશ્રમના સેવક અને પૂર્વ કલેકટર પી.વી. ત્રિવેદી અને પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલે સંત પુનિતાચારીજીના સદાચારી કાર્યોને યાદ કરી તેમને કોટી કોટી નમન કર્યા હતા.