પૈસા તમારે ખાઈ જવા ને ભોગવવાનું અમારે ! જૂનાગઢમાં સીલિંગ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન કાળઝાળ

હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી મામલે સ્ટેન્ડિંગ ચેરમેને મનપાના અધિકારીઓને તતડાવી નાખ્યા : દબાણ શાખાના અધિકારીઓએ ચાલતી પકડી

જૂનાગઢ : જૂનાગઢમાં ફાયર એનઓસી વગરની અને બીયુ પરમિશન વગરની હોસ્પિટલોમા સિલિંગની કામગીરી મામલે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામસામે આવી ગયા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જેમાં હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી મામલે સ્ટેન્ડિંગ ચેરમેને મનપાના અધિકારીઓને તતડાવ્યા હતા અને “પૈસા તમારે ખાઈ જવાને અમારે ભોગવવાનુ” તેમ કહીને તતડાવી નાખતા દબાણ શાખાના અધિકારીઓએ ચાલતી પકડી હતી.

જૂનાગઢ મનપાના દબાણ શાખાના અધિકારીઓ દ્વારા શરૂ કરાયેલી ફાયર એનઓસી તેમજ બીયું સર્ટિફિકેટ વગરની હોસ્પિટલ સહિતની મિલકતને સિલ મારવાની કામગીરી સામે મિલ્કત ધારકોએ પ્રચંડ વિરોધ નોંધાવતા મિલ્કત ધારકોના સનર્થનમાં જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા મેદાનમાં આવ્યા છે અને સિલ કરાયેલી હોસ્પિટલમાં દર્દીઓની હાલાકી જોઈને તેઓએ અધિકારીઓ પર વરસી પડ્યા હતા અને ભ્રષ્ટાચારનો પણ આરોપ મૂક્યો હતો.

હોસ્પિટલોને સીલ કરતા બહાર ઓપીડી ચાલુ કરવામાં આવી છે. આથી હોસ્પિટલમાં હો-હા થઈ પડી હતી. આ બનાવની જાણ થતાં મનપાના શાસકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ મનપાના અધિકારીઓને તતડાવ્યા હતા અને જાહેરમાં બધાની વચ્ચે “પૈસા તમારે ખાઈ જવાને અમારે ભોગવવાનુ” તેમ કહી હરેશ પરસાણાએ દબાણ શાખાના અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા હતા. અધિકારીઓને તડડાવતા અધિકારીઓએ ચાલતી પકડી હતી. આથી બાલાજી એવન્યુમા સીલ મારવવાની કામગીરી ખોરંભે ચડી છે.