ફાયર એનઓસી અને બીયુ પરમીશન મુદ્દે જૂનાગઢ મહાપાલિકાની સીલિંગ કાર્યવાહી સામે પ્રચંડ વિરોધ

સિલ કરાયેલી હોસ્પિટલ તથા વાણિજ્ય કોમ્પલેક્ષના માલિકો-દુકાનદારોએ મનપાની કાર્યવાહી સામે બળાપો ઠાલવ્યો : ખુદ મનપાની કચેરી બીયું સર્ટિફિકેટ વગરની હોવાનો આક્ષેપ, હોસ્પિટલને સિલ મારતાં દર્દીઓ પરેશાન

જૂનાગઢ : જૂનાગઢ મનપાએ છેલ્લા કેટલાક દિવસોથી ફાયર એનઓસી વગરની હોસ્પિટલ, શાળા અને વાણિજ્ય કોમ્પલેક્ષને ટાંચામાં લઈને સિલ મારતા ભારે હોબાળો મચી ગયો છે અને સિલ કરાયેલી હોસ્પિટલ, વાણિજ્ય કોમલેક્સના માલિકો અને દુકાનદારોએ મનપાની કાર્યવાહીનો સખત વિરોધ કરી ખુલ મનપાની કચેરી બીયું સર્ટિફિકેટ વગરની હોવાનો આક્ષેપ કરી આ કાર્યવાહી બંધ ન કરે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

જૂનાગઢ મનપા દ્વારા આગની ઘટના અટકાવવા માટે ફાયર એનઓસી કે બીયું સર્ટિફિકેટ વગરની જાહેર મિલકત સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને હોસ્પિટલ, શાળા, વાણિજ્ય કોમલેક્સ સહિતની 16 મિલ્કતને સિલ કરાતા આ મિલ્કત ધરકોમાં ફફડાટ મચી ગયો હતો. મનપાની કાર્યવાહી સામે સિલ કરાયેલ મિલ્કતોના ધારકોએ આજે ભારે રોષ ઠાલવ્યો હતો.જેમાં સિલ કરાયેલી હોસ્પિટલમાં દર્દીઓને ભારે પરેશાની ભીગવવી પડતી હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું. જેમાં જૂનાગઢ મનપા દ્વારા હોસ્પિટલ સીલ કરતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તબીબોને ગ્રાઉન્ડમાં બહાર ઓપીડી શરૂ કરવી પડી છે.

હોસ્પિટલ બહાર દર્દીઓની મોટી લાઈન લાગી છે. હોસ્પિટલ બહાર ઉભા ઉભા જ તબીબોને દર્દીઓની તપાસ કરવી પડે છે. દર્દીઓને તપાસવાનું અને દવા લખવાનું કામ બહાર શરૂ કરવું પડ્યું છે. આ મામલે ડો પાનસૂરિયાએ જણાવ્યું હતું કે, દર્દીઓને હિત ખાતર મનપા સિલ કરેલી હોસ્પિટલને ખુલ્લી કરે તેમજ આગળની કાર્યવાહી માટે અમને ચોક્કસ સમય આપે, બીયું સર્ટિફિકેટ મોટાભાગની બિલ્ડીંગોમાં નથી. તેથી આ મુદ્દે યોગ્ય ન કરાઇ તો આંદોલન કરાશે તેવી ચીમકી આપી છે.

જ્યારે સિલ કરાયેલા બાલાજી એવન્યુ વાણિજ્ય કોમ્પલેક્ષમાં ઓફિસે ધરાવતા એડવોકેટએ જણાવ્યું હતું કે, બીયું સર્ટિફિકેટ મુદ્દે તેમના કોમ્પલેક્ષને મનપાએ સિલ કર્યું છે. ખરેખર તો કોર્પોરેશનના બિલ્ડીંગમાં પણ આ સર્ટિફિકેટ નથી. ઇવન ઘણા બધા બિલ્ડીંગોમાં ફાયર એનઓસી કે બીયું સર્ટિફિકેટ નથી. જો કે અમારે પણ બીયું સર્ટિફિકેટ લેવાનું હોય એ માટે તંત્ર પૂરતો સમય અને સહકાર આપે તે જરૂરી છે. પણ આટલું શોર્ટ નોટિસમાં કડક કાર્યવાહી કરે તો બધા લોકોના કામકાજ ખોરવાઈ જાય છે અને ભારે હાડમારી ભીગવવી પડે છે

જ્યારે મનપાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, સરકાર અને કોર્ટની ગાઈડલાઈન મુજબ દરેક બિલ્ડીંગમાં ફાયર એનઓસી અને બીયું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તેથી મનપા દ્વારા આવી મિલ્કતને સિલ મારવામાં આવી છે. જો કે, આજે સિલ કરાયેલી હોસ્પિટલમાં દર્દીઓ અને તબીબોને જે હાલાકી ભોગવવી પડી રહી છે એને ધ્યાને લઈને માનવતા ખાતર મનપાની વહીવટી શાખાને અપીલ કરીને આ કામગીરી બંધ કરવા કહ્યું છે અને ફાયર એનઓસી તેમજ બીયું સર્ટિફિકેટ મુદ્દે પણ જે તે મિલ્કત ધારકોને સમય આપવા જણાવ્યું છે.