ઘરકંકાસમાં પત્ની ઉપર ફાયરિંગ કરનાર આર્મીમેન પતિ ગિરફ્તાર

પિયરે રહેલી પત્ની પોતાના દીકરાને મળવા ન દેતા ફાયરીગ કર્યાનું ખુલ્યું, પોલીસે હથિયાર કબ્જે લઈ આરોપી સામે ખૂનની કોશિષનો ગુન્હો નોંધ્યો

જૂનાગઢ : જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આજે ઘરકંકાસમાં ખૂંન્નસે ભરાયેલા આર્મીમેને પતિએ આંગણવાડીમાં ફરજ બજાવતી પત્ની ઉપર અચાનક ફાયરીગ કરતા ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક અસરથી આરોપી પતિની ધરપકડ કરી હતી. તેની પાસેથી હથિયાર કબ્જે લઈ તેની સામે ખૂનની કોશિશનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે આ બનાવમાં પિયરે રહેલી પત્ની પોતાના દીકરાને મળવા ન દેતા ફાયરીગ કર્યાનું ખુલ્યું છે.

જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલ આંગણવાડીની ઓફીસ પાસે પતિ મનીષભાઈ હરેશભાઇ પટેલે આજે પોતાની પત્ની સ્મિતાબેન નલિનચંદ્ર પરમાર ઉપર ફાયરિંગ કર્યું હતું. આથી તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી અને બનાવને પગલે આરોપી પતિ મનીષભાઈ હરેશભાઇ પટેલને દબોચી લીધો હતો અને પોલીસની તપાસમાં આરોપી મેડિકલ એમએમસી આર્મીમાં નાયબ તરીકે ફરજ બજાવે છે અને હાલમાં તેનું પોસ્ટિંગ ઉતરપ્રદેશ મેરઠ ખાતેનું છે. છેલ્લા બે મહિનાથી રજા લીધા વગર અહીં આવી ગયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, આર્મીની ફરજમાંથી ગાપચી મારીને આરોપી જૂનાગઢ તેના વતને આવ્યો હોય પણ તેની મેરેજ લાઈફ ડિસ્ટર્બ રહેતી હતી. જેમાં આઠ વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા. પરંતુ પતિ અને પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી વચ્ચે વિક્ષેપ પડ્યો હતો.ત્યારે સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. હાલમાં પણ છ મહિના પહેલા વાંધો પડતા પત્ની સ્મિતાબેન પોતાના દીકરા સાથે પિયર ચાલી ગઈ હતી અને પિયરે રહેતી પત્ની પોતાના વ્હાલા દીકરાને મળવા ન દઈને પિતાની ફીલિંગને મજાક બનાવી હોવાનું જણાવીને આજે આરોપી પતિએ ઉચકેરાઈ જઈને પત્ની ઉપર ખૂની હુમલાની કોશિશ કરી હોવાનું બહાર આવ્યું છે. હાલ આરોપી પાસે હિથયાર કબ્જે કરાયું છે. તેમજ તેની સામે ખૂનની કોશિશનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.