પાનની દુકાને છાપુ વાંચવા ગયેલા યુવાનને ઢીબી નાખ્યો

વંથલીમાં આવેલી પાનની દુકાનની બાજુમાં થયેલી મારામારીમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વંથલીમાં આવેલી પાનની દુકાને છાપુ વાંચવા ગયેલા યુવાનને ઢીબી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિવ્યેશભાઈ સુરેશભાઈ જેઠવા (ઉ.વ.૪૧ રહે.વંથલી ભાણાવાવ ચોક તા.વંથલી) એ આરોપીઓ રૂડાભાઈ રાણાભાઈ હુણ, જગદીશભાઈ ઉર્ફે જગો રુડાભાઇ હુણ (રહે. બંને વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી વંથલી રબારી વાડાના નાકે આવેલ જય વડવાડા નામની પાનની દુકાને છાપુ વાંચવા ગયેલ હોય તે દરમ્યાન આરોપીઓએ ભુંડી ગાળો આપી તથા ઢીકાપાટુનો માર મારી બંન્નેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.