બગડુ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઇ

શિબિરમાં પશુ તજજ્ઞો દ્વારા આધુનિક પશુપાલન વિશે માર્ગદર્શન આપ્યું

બગડુ સહિત આસપાસના ગામના ભાઇઓ-બહેનો પશુપાલકો ઉપસ્થિત રહ્યા

જૂનાગઢ : મેંદરડા તાલુકાના બગડુ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન કિરીટભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઇ હતી. જેમાં પશુ તજજ્ઞો દ્વારા આધુનિક પશુપાલન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બગડુ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં ચેરમેન પટેલે જણાવ્યું હતું કે, સરકાર પશુપાલકો માટે અનેક યોજનાનો લાભ આપે છે. આગામી દિવસોમાં મહિલાઓને પશુપાલન માટે ધીરાણ પેટે લોન પણ આપવામાં આવશે. તેમજ તબેલા, દૂધ મશીન સહિતની સહાય માટે સરકાર મદદ કરે છે તેનો પશુપાલકોએ લાભ લેવા કહ્યું હતું. આ કાર્યક્રમમાં પશુ તજજ્ઞો ડો.સાવલિયા, ડો.ગજેરા દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ગાયનું મહત્વ તેમજ આધુનિક પશુપાલન અંગે પશુપાલકોને માહિતગાર કર્યા હતા.

આ તકે જિલ્લા સહકારી બેન્કના ડાયરેક્ટર દિનેશભાઇ ખટારિયા, આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવિણભાઇ પટોળિયા, જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઇ મૈતર, અનકભાઇ ભોજક, જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ હરિભાઇ પરમાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિપકભાઇ ડોબરિયા, અગ્રણી અનુભાઇ ગુજરાતી, વેલજીભાઇ પાતર ઉપસ્થિત તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડો.દુધાત્રાએ કર્યું હતું. નાયબ પશુપાલક નિયામક ડો. ડી. ડી. પાનેરા, ડો.વઘાસિયા, ડો.ચોચા અને ડો.ચોથાણીએ પશુપાલન અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.