ભવનાથ તીર્થક્ષેત્રમાં લાખો લોકોએ ધર્મોલ્લાસભેર શિવરાત્રીનો મેળો માણ્યો

મેળાના અંતિમ દિવસે ભવનાથ તીર્થક્ષેત્રમાં લાખો શ્રધ્ધાળુઓ દિગંબર સાધુઓના દર્શન કરી ભાવવિભોર થયા

૫ દિવસ સુધી મેળામાં કોઇ અનીઇચ્છનીય ઘટના ન બનતા તંત્રને રાહત

જૂનાગઢ : ભવનાથ તળેટીમાં મહાવદ નોમથી શરૂ થયેલ મહાશિવરાત્રી મેળો ગઈકાલે સાધુ સંતોની રવેડી, શાહીસ્નાન અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે સંપન્ન થયો હતો અને ભવનાથ તીર્થક્ષેત્રમાં લાખો લોકોએ ધર્મોલ્લાસભેર શિવરાત્રીનો મેળો માણ્યો હતો.

ગરવા ગિરનારની ગોદમાં કોરોનાના કારણે બે વર્ષ બાદ યોજાયેલ શિવરાત્રી મેળામાં લાખો શ્રધ્ધાળુઓએ અંતિમ દિવસે દિગંબર સાધુ-સંતોની તલવારબાજી, લાઠી દાવ તેમજ બેન્ડબાજા સાથે અખાડાઓની પાલખીયાત્રાને નિહાળી ભાવ વિભોર બન્યા હતા. બાદમાં સાધુઓના મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ ભવનાથ મહાદેવે મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહૂતિ થઇ હતી.

રવેડીમાં ત્રણેય અખાડા શ્રી પંચનામ જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડાના સાધુ-સંતો ધર્મ ધ્વજા અને અધિષ્ઠાતા દેવની પાલખી સાથે નિકળી શ્રધ્ધાળુઓને દર્શનનો અલૌકિક લાભ આપે છે. મૃગીકુંડમાં શાહી સ્નાન માટે ભગવાન ભોળાનાથ પધારતા હોવાની માન્યતા છે. રવેડીના દર્શન માટે આવેલા શ્રધ્ધાળુઓ બપોરે ૪ વાગ્યા થી દિગંબર સાધુઓના અને રવેડીના દર્શન માટે ભવનાથમાં જયાં જગ્યા મળે ત્યાં બેસી ગયા હતા. તેમજ શ્રધ્ધાળુ મહિલાઓએ ભજન કિર્તન કરી શિવમય બની ગયા હતા.

તીર્થ ક્ષેત્ર ભવનાથ તળેટીમાં યોજાયેલ ભજન-ભોજન અને ભક્તિનાં ત્રીવેણી સંગમ સમા શિવરાત્રીના પ દિવસીય મેળાની લાખો ભાવિકોએ મજા માણી હતા. મેળામાં અનેક સેવાભાવી સંસ્થાઓનાં સ્વયંસેવકોએ અન્નક્ષેત્ર, ચા સ્ટોલ, શેરડીનો તાજો રસ, ફરસાણ ફરાળી વાનગીઓ પીરસીને જૂનાગઢનો સોરઠી આતિથ્યભાવ ઉજાગર કર્યો હતો. ખોડીયાર રાસમંડળ, ધોરાજીનું તેજાભગતનું અન્નક્ષેત્ર, આહિર સમાજ, મેર સમાજ, કડીયા સમાજ, ગોરખનાથ આશ્રમ, ભારતી આશ્રમ સહિત જ્ઞાતિ સમાજના ઉતારા, હોય કે પછી આપાગીગાનો ઓટલો હોય સાધુ સંતો દ્રારા શરૂ કરવામાં આવેલ અન્નક્ષેત્રો સર્વ જગ્યાએ હરીહર કરતા જાવ ભોળનાથનું નામ લેતા જાવનાં હોંકારાથી સતત ધમધમતા રહ્યા હતા.

મેળાની પૂર્ણાહૂતિ પ્રસંગે જૂનાગઢ સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જૂનાગઢ મનપા મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયરશ્રી ગીરીશભાઇ કોટેચા, જૂનાગઢ કમિશ્નર તન્ના, જિલ્લા ન્યાયધીશ રિઝવાના બુખારી બુખારી, સ્ટેડીંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા, મોહનભાઇ પરમાર, કોર્પોરેટરો, પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.૫ દિવસ સુધી યોજાયેલ મેળામાં કોઇ અનીચ્છનીય બનાવ, દુર્ઘટના ન બનતા વહિવટી તંત્ર, પોલીસ વિભાગે રાહત અનુભવી હતી. રેન્જ આઇજી મનીન્દર સીંઘ પવાર અને જિલ્લા પોલીસ વડા રવીતેજા વાસમશેટૃીના માર્ગદર્શન તળે જિલ્લા પોલીસ દ્રવારા કાયદો વ્યવસ્થા ટ્રાફીકની વ્યવસ્થા સંભાળી યાત્રીકોને કોઇ મુશ્કેલી ના પડે તેની કાળજી લીધી હતી.