ભારતીબાપુના આશ્રમ ખાતે રક્તદાન કેમ્પમાં ૯૪ બોટલ એકત્ર કરાઇ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને બાપા સીતારામ ગૃપ દ્વારા ભારતીબાપુના ષોડશી ભંડારા મહોત્સવ અંતર્ગત બે દિવસ રક્તદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ : ભવનાથ ખાતે શિવરાત્રી મેળા દરમિયાન પ.પુ.બ્રહ્મલીન મહામંડલેશ્વર ૧૦૦૮ વિશ્વંભર ભારતીબાપુના ષોડશી ભંડારા મહોત્સવ પ્રસંગે ભારતી આશ્રમ જૂનાગઢ ખાતે હરિહરાનંદ ભારતીબાપુની પ્રેરણાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને બાપા સીતારામ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત તા.૨૬ અને ૨૭ એમ બે દિવસ રક્તદાન કેમ્પ દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દીપ પ્રાગટ્યમા તોરણીયા નકલંક ધામથી પધારેલ રાજેન્દ્રદાસ બાપુ, આણદાબાવા આશ્રમ જામનગરના દેવીપ્રસાદ બાપુ, સૂર્યમંદિર જૂનાગઢના જગજીવનદાસ બાપુ, ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીબાપુ, જૂનાગઢ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ પેથોલોજી વિભાગના એચ.ઓ.ડી. ડો.નયનાબેન લકુમ, ડૉ. હાર્દિક મકવાણા, તથા ભારતી આશ્રમ સ્ટાફ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ બે દિવસના મહા બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન રક્તની ૯૪ બોટલ એકત્ર કરવામાં આવી હતી. જે જૂનાગઢ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કને અર્પણ કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ, અલ્પેશભાઈ બી.મહેતા, રાજેન્દ્રસિંહ ડાભી, હિતેશભાઈ ઝડફીયા, બાપાસીતારામ ગ્રુપના નરેન્દ્ર રાદડીયા, સંજયભાઇ બુહેચા, કિશોરભાઈ પટોળીયા, સંજય મહેતા સહિત ગ્રુપના સભ્યો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.