લગ્ન પ્રસંગે આપેલા પૈસાની ઉઘરાણી મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી

કેશોદના અગતરાય ગામેં મારામારીના બનાવમાં બન્ને પરિવારોએ હુમલા અને ઘર તેમજ કારમાં તોડફોડની સામસામી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : કેશોદના અગતરાય ગામેં દીકરાના લગ્ન પ્રસંગે આપેલા પૈસાની ઉઘરાણી કરી છ વ્યક્તિઓએ એક પરિવાર તૂટી પડ્યા હતા અને મહિલા સહિત પરિવારના અન્ય વ્યક્તિઓ ઉપર હુમલો કરીને ઘરમાં ઘુસી તોડફોડ કરી કાર તેમજ ઘરવખરીને નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે સામાપક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વેજીબેન ભનુભાઈ રાઠોડ (ઉ.વ.૪૬ રહે.અગતરાય ગામ બાગ વિસ્તાર, તા.કેશોદ જી.જુનાગઢ) એ આરોપીઓ મનસુખભાઈ ખીમાભાઈ રાઠોડ (રહે.અગતરાય), મજુબેન મનસુખભાઈ રાઠોડ, સાગર મનસુખભાઈ રાઠોડ, ભરતભાઈ (રહે.લાઠોદ્રા), લાલો (રહે. લાઠોદ્રા), દિપકભાઈ (રહે,ઈન્દીરાનગર કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૪ના રોજ બનેલા બનાવમાં ફરીયાદીના દિકરાના લગ્ન પ્રસંગે એક આરોપીએ પૈસા આપેલ હતા

હવે આરોપીઓના દિકરાના લગ્ન હોય જેથી ફરીયાદી તથા ફરીયાદીના પતિ ભનુભાઈને આરોપીઓ સાથે પૈસા આપવા બાબતે બોલાચાલી તથા ઝગડો થતા આરોપીઓએ પોતાની પાસે રહેલ લાકડી વડે સાહેદ ભનુભાઈને માથાના ભાગે તથા જમણા હાથમાં માર મારતા માથાના ભાગે ૬ ટાંકા તથા જમણા હાથના ભાગે ૪ ટાંકા તથા આરોપીઓએ પોતાની પાસે રહેલ લાકડી વડે ફરીયાદીને જમણા હાથમાં તથા પીઠ પાછળ મૂંઢ માર મારતા તેમજ સાહેદ મયુર વચ્ચે પડતા તેમને પણ આરોપીઓએ બન્ને હાથમાં લાકડી વડે માર મારેલ હતો. તેમજ આરોપીઓએ ફરીયાદીના ઘરની બહાર પડેલ ઈકો કાર જેના નં.જી.જે-૧૧.બી.આર.-૮૬૩૯ વાળીમાં તોડફોડ કરી તેમજ આરોપીઓએ ઘરમાં રહેલ ટીવી તોડી નાખી આશરે રૂપીયા ૩૦,૦૦૦ જેટલુ નુકશાન કરી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી.

સામાપક્ષે મનસુખભાઇ ખીમાભાઇ રાઠોડ (ઉ.વ ૪૬ રહે. અગતરાય ગામ બાગ વિસ્તાર તા.કેશોદ જી.જુનાગઢ) એ આરોપીઓ ભનુખીમાભાઇ રાઠોડ, મયુર ભનુભાઇ રાઠોડ, સંજય ભનુભાઇ રાઠોડ, શાંન્તાબેન ભનુભાઇ રાઠોડ (રહે.બધા અગતરાય તા.કેશોદ) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ભનુભાઇ તથા તેના દિકરા સંજય તથા મયુર તથા તેમની પત્ની શાન્તાબેન ફરીયાદી સાથે અગાઉનું મનદુખ રાખી આરોપી ભનુભાઇએ ફરીયાદીને લોખંડના પાઇપ વડે માર મારેલ તથા સાહેદ દિપકભાઇને આરોપી સંજયએ લાકડી વડે માર મારેલ અને સાહેદ સાગરને આરોપી મયુરએ લમણા ઉપર લોખંડનો પાઇપ મારી તેમજ ફરીયાદીના પત્ની મંજુબેન છોડાવવા જતા આરોપી ભનુભાઇ તથા તેમની પત્ની શાન્તાબેન ઢીકાપાટુનો માર મારી જેમતેમ ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.