મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ત્રણ જોડી ટ્રેનોમાં વધારાનો જનરલ કોચ લાગશે

મુસાફરોની સુવિધા માટે 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી કોચ ઉમેરાશે

જૂનાગઢ : મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મુસાફરોની સગવડતા માટે પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ જોડવામાં આવશે.જેથી મુસાફરો કોઈ પણ મુશ્કેલી વગર સરળતાથી મુસાફરી કરી શકે.

પશ્ચિમ રેલવે,રાજકોટ ડિવિજનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવે દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મુસાફરોની સુવિધા માટે ત્રણ જોડી ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ અસ્થાયી રૂપે ઉમેરવાનો નિર્ણય કર્યો છે.જેમાં ટ્રેન નંબર 09521/09522 રાજકોટ-સોમનાથ-રાજકોટ, ટ્રેન નંબર 09514/09513 રાજકોટ-વેરાવળ-રાજકોટ અને ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદરમાં તા.26 ફેબ્રુઆરીથી લઈને તા.3 માર્ચ સુધી વધારાનો એક જનરલ કોચ લગાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં રેલવે તંત્ર દ્વારા ટ્રેન નંબર 19119/19120 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં કાયમી ધોરણે બે વધારાના જનરલ કોચ ઉમેરવામાં આવ્યા છે.જે મુસાફરો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. તેમ અભિનવ જેફ (સિનિયર ડીસીએમ,પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિજન)ની યાદીમાં જણાવાયું છે.