મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે હૈયે-હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી

પાંચ દિવસીય શિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા આનંદ ઉલ્લાસની છોળો ઉડી

જૂનાગઢ : ભજન, ભકિત અને ભોજનના ત્રિવેણી સંગમ સમાં વિશ્વ વિખ્યાત જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આજથી બમ બમ ભોલેના ગગનભેદી નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો હતો.જો કે દર વખતે મેળાના બે દિવસ પછી લોકોની મેદની વધી જતી હોય છે. એના બદલે આજે પ્રથમ દિવસે શિવરાત્રીના મેળા હૈયે-હૈયું દળાઇ તેટલી જનમેદની ઉમટી પડી હતી. શિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા આનંદ ઉલ્લાસની છોળો ઉડી હતી.

ભવનાથ તળેટી ખાતે આજે સવારથી પાંચ દિવસીય મહાશિવરાત્રીના મેળાનો શુભારંભ થયો હતો. એ સાથે જ લોકો ઉમટી પડ્યા હતા. જો કે દેશભરમાંથી સાધુ સંતો મોટી સંખ્યામાં ઉમટી પડીને અહીં છાવણી નાખી ધૂણી ધખાવી રહ્યા છે. ત્યારે આજે મહાશવરાત્રિના મેળામાં પહેલા દિવસે જ ભીડ જામી હતી. સામાન્ય રીતે 2 દિવસ પછી મેળામાં શ્રદ્ધાળુ આવતા હોય છે પરંતુ મેળાના પ્રથમ દિવસે જ લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. બપોર બાદ મેળામાં ફરવા આવનાર લોકોની ભીડ વધી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2વર્ષમેળો ન યોજાયો હોવાથી આ વર્ષે મેળો કરવાનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.