પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર રવિશંકર મહારાજે કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવેલા

25 ફેબ્રુઆરી : ગુજરાત રાજ્યનો શુભારંભ કરનાર રવિશંકર મહારાજની આજે જન્મજયંતિ

મૂક સેવક રવિશંકર મહારાજનો જન્મ તા. 25-02-1884ના મહાશિવરાત્રીના રોજ ખેડા જિલ્લાના રઢુ ગામમાં થયો હતો. મહારાજ નાનપણથી જ નિર્ભય. ભૂત જોવા મધરાતે સ્મશાનમાં જવું, લડતા પાડાને લાકડી વડે છૂટા પાડવા, બહારવટિયાની શોધમાં એકલા ઘૂમવું એ તો મહારજને માટે રમત વાત. કુદરતી આફતો કે મહામારી વખતે લોકોની સેવા કરવામાં તેઓ હંમેશા મોખરે રહ્યા હતા. કોમી હુલ્લડ વખતે હિન્દુ-મુસ્લિમ લતાઓમાં નિર્ભય થઇને ફરતા અને ભાઇચારો સ્થાપવાનો પ્રયાસ કરતા. ગુજરાતના અલગ રાજયની રચના થતાં ગુજરાત રાજ્યનો શુભારંભ તેમના હસ્તે થયો હતો. શ્રમ, સાદાઇ અને સંયમ એ મહારાજના જીવનનાં ત્રણ મુખ્ય ગુણો હતો. પૂજ્ય રવિશંકર દાદાનું ઇ. સ. 1984માં 1 જુલાઈના રોજ શતાબ્દિ આયુષ્ય ભોગવીને નિધન થયું હતું.

રવિશંકર મહારાજને મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. તેમની જીવન ઝરમર જોઈએ તો તેમના પત્નીનું નામ સૂરજબા હતું. રવિશંકર વ્યાસ એ છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. નાની ઉંમરથી જ તેઓ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા હતા.

રવિશંકર મહારાજ એ ઇ.સ. 1920માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી. જેમાં તેઓ આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા હતા. 1921માં મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું હતું.1923માં બોરસદ સત્યાગ્રહ અને હૈડીયા વેરા નહીં ભરવાની ગામેગામ ઝુંબેશ ચલાવી હતી. 1926માં બારડોલી સત્યાગ્રહ કર્યો અને છ મહીના જેલવાસ ભોગવ્યો. 1930માં દાંડી કૂચમાં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. 1942માં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ લીધો અને જેલવાસ ભોગવ્યો. તેઓ જેલમાં ગામઠી ગીતા સમજાવતા હતા.

દેશને આઝાદી મળ્યા બાદ રવિશંકર મહારાજ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઇ ગયા હતા. તેમણે વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું હતું. પાટણવાડીયા, બારૈયા કોમો અને બહારવટિયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું. ઈ.સ. 1955થી 1958 વચ્ચે 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે 6000 કિલોમીટર ખુલ્લા પગે ચાલ્યા હતા. કારણ કે 1920માં પગરખાં ચોરાયા ત્યારથી તેમણે પગરખાંનો ત્યાગ કર્યો હતો! આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર લુખ્ખી ખીચડી જમતા! પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા.

1960માં 1 મેના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી હતી. 1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્યમંત્રી બને તે સોગંદવિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી. 1975માં તેમણે કટોકટીનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.