જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા નિમિત્તે જડબેસલાક પોલીસ બંદોબસ્ત

પોલીસ સ્ટાફ સહિત હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક જવાનો તેમજ એસઆરપી કંપની મળી આશરે 3,000 પોલીસ તૈનાત

જૂનાગઢ : જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવનાર હોઈ તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ, જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

આ શિવરાત્રી મેળાની સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ 07 ડીવાયએસપી, 25 પોલીસ ઇન્સ., 94 પોલીસ સબ ઇન્સ., 1408 પોલીસ સ્ટાફ સહિત 669 હોમગાર્ડ, 458 જીઆરડી, 54 ટ્રાફિક જવાનો, 140 મહિલા પોલીસ તેમજ 02 એસઆરપી કંપની મળી, કુલ આશરે 3,000 અધિકારીઓ તથા પોલીસ સ્ટાફને ખાસ તૈનાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ 30 જેટલી રાવટીઓ જુદી જુદી જગ્યાએ ગોઠવી, તેમાં પણ પોલીસ તૈનાત કરવામાં આવેલ છે. હથિયારધારી માણસો પણ ગોઠવવામાં આવેલ છે. સમગ્ર મેળા બંદોબસ્તમાં મેટલ ડિટેક્ટર રાખી, ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે અને રૂપાયતન ત્રણ રસ્તા તથા સ્મશાન ત્રણ રસ્તા ખાતે અમદાવાદ વડોદરાથી ખાસ બેગેજ સ્કેનર મંગાવી, યાત્રાળુઓને સામાનનું ચેકીંગ કરવા માટે બેગેજ સ્કેનરની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, કેશોદ ડિવિઝન ડીવાયએસપી જે.બી. ગઢવી, હેડ ક્વાર્ટર ડીવાયએસપી આર.વી. ડામોર, ડીવાયએસપી એચ.એસ.રતનું, માંગરોળ ડીવાયએસપી ડી.આર.કોડિયાતર, ડીવાયએસપી ડો. કે.કે.ઠાકુર, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. હરેન્દ્રસિંહ ભાટી, લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચના પીઆઇ એન.આર.પટેલ, સ્પેશિયલ ઓપરેશન ગૃપના પી.આઇ. એ.એમ.ગોહિલ, ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા, સહિતના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ખાસ મેળા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

આ મેળા બંદોબસ્તમાં વોચ ટાવરની વ્યવસ્થા કરી, દૂરબીન, વોકિટોકી સાથે માણસો રાખી, ખાસ વોચ રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર વિસ્તારમાં પ્રવેશતા માર્ગો ઉપર વાહન ચેકીંગ માટે ચેક પોસ્ટ ઉપર પોલીસના માણસો દ્વારા ખાસ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત મેળાની ભીડમાં ચોરી, પિક પોકેટિંગ, છેડતી, કેફી પીણું પી ને ફરતા લુખ્ખા તત્વો, વિગેરે જેવા બનાવો રોકવા તેમજ ગુન્હેગારોને ઓળખવા ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. તેમજ ડી સ્ટાફના માણસોને ખાસ સાદા કપડામાં તૈનાત કરી, ગુન્હેગારો ઉપર વોચ રાખવા ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત આવા આવારા તત્વો તથા ગુન્હેગારો ઉપર નજર રાખવા બહારના જિલ્લાઓની ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને પણ ખાસ ફરજ ઉપર બોલાવવામાં આવેલ છે. વધુમાં જૂનાગઢ શહેરમાં પણ ખાસ નાઈટ દરમિયાન ચેકીંગ હાથ ધરી, હોટલ ધાબા ચેક કરવાની તથા પ્રોહીબિશનના બુટલેગરોને ચેક કરી, ગેર કાયદેસર પ્રવૃત્તિ ડામવા માટે સતત શિવરાત્રી સુધી જુદી જુદી ટિમો બનાવી, કોમ્બિગ સાથે ચેકીંગ હાથ ધરાવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુમાં, ખોવાયેલા અને ગુમ થયેલાં માણસો, બાળકો અને મહિલાઓ માટે ખાસ ખોયા પાયા સ્કવોડ ની રચના કરવામાં આવેલ છે.

આમ, જૂનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, યાત્રાળુઓ મેળામાં નિર્ભય રીતે ફરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.