જૂનાગઢમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો આદેશ

રાજ્ય સરકારે પ્રથમ આઠ મહાનગરપાલિકા માટે આ નિર્ણય જાહેર કર્યા બાદ જૂનાગઢ મહાનગરપાલિકાએ તમામ સ્થળોએ ગુજરાતીનો ઉપયોગ કરવા અંગે પરિપત્ર જાહેર કર્યો

જૂનાગઢ : ગુજરાત રાજયની રચના થયા બાદ ગુજરાત સરકાએ પ્રથમ અધિનિયમ રાજભાષા અંગે પસાર કરીને રાજયની રાજભાષા ગુજરાતી અને દેવનગરી લિપિમાં હીન્દી રાખવાનું જાહેર કરેલ છે. તે મુજબ તબકકાવાર કાર્યક્રમ નક્કી કરીને ગુજરાતી ભાષાનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો રહે તે જોવામાં આવેલ છે. રાજય સરકારની ગજરાતીકરણની નીતિનાં અનુસંધાને સરકારનાં તમામ વિભાગો, ખાતાઓ બોર્ડ નિગમો ખાનગી-સરકારી કંપનીઓ, હોટલ, સ્કુલ, મોલ્સમાં સાર્વજનિક અને જાહેર સ્થળોએ નામ,સુચના,માહિતી, દિશા નિર્દેશ લખેલ લખાણોમાં ગુજરાતી ભાષાનો બહોળો ઉપયોગ થાય તે બાબત વિચારણા હેઠળ હતુ.

ગુજરાતી ભાષાએ ફકત એક ભાષા નથી એક બહોળો ગૌરવશાળી ઈતિહાસ અને સમૃધ્ધ સાહિત્ય ધરાવતી સંસ્કૃતિ છે. ગુજરાતી ભાષાનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારમાં બહોળા પ્રમાણમાં થાય છે પરંતુ વધતા જતા શહેરીકરણનાં કારણે શહેરોમાં પણ ગુજરાતી ભાષાનો બહોળો ઉપયોગ થાય તે માટે પ્રથમ તબકકે ગુજરાત રાજયની ૮(આઠ) મહાનગરપાલિકાઓ વાળા શહેરોમાં રાજભાષા ગુજરાતીનો બહોળો ઉપયોગ કરવા બાબત ગુજરાત સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા તા.18 ફ્રેબ્રુઆરીનાં રોજ ઠરાવ પસાર કરાયેલ છે.

આ ઠરાવની જોગવાઈની અમલવારી અર્થે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ખાનગી માલિકીનાં સાર્વજનિક સ્થળોએ જેમ કે, સિનેમાગૃહ, નાટય ગૃહ, બેન્કવેટ હોલ, શાળા,કોલેજ, સુપર માર્કેટ, શોપિંગ મોલ્સ, હોસ્પીટલ, વાતાનુકૂલિત વ્યવસ્થા ધરાવતી હોટલ રેસ્ટોરન્ટ અને કેફે, બેન્ક, વાંચનાલય, બગીચાઓ, ઈત્યાદિ જગ્યાઓ પર નામ, સુચના, માહિતી, દિશા-નિર્દેશ લખેલા હોય તે સર્વે લખાણોમાં અંગ્રેજી, હિન્દી સાથે ગુજરાતી ભાષાનો પણ ફરજીયાત ઉપયોગ કરવા મ્યુનિસીપલ કમિશનર,જૂનાગઢની એક અખબારી યાદી જણાવે છે.