વહેલી સવારે ઝાકળને કારણે છકડો રીક્ષા પલ્ટી જતા વૃદ્ધનું મોત

રીક્ષામા શાકભાજી ભરીને વેળવા ગામથી માણાવદર ખાતે હરાજી કરવા જતી વખતે અકસ્માત નડ્યો

જૂનાગઢ : માણાવદર નજીક ગઈકાલે વહેલી સવારે ઝાકળને કારણે છકડો રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જો કે રીક્ષામા શાકભાજી ભરીને વેળવા ગામથી માણાવદર ખાતે હરાજી કરવા જતી વખતે અકસ્માત નડ્યો હતો.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર લાખાભાઇ ઉકાભાઇ સોલંકી (ઉ.વ. ૬૫ રહે. વેળવા ગામ તા.માણાવદર) નામના વૃદ્ધ પોતાની છકડો રીક્ષામા નં. GJ-17-X-8799 વાળી લઈને ગઈકાલે સવારના સાડા ચારેક વાગ્યે રીક્ષામા શાકભાજી ભરીને માણાવદર ખાતે હરાજી કરવા માટે જતા હતા.ત્યારે માણાવદરના વેરવા રોડ ઉપર બહુ ઝાકળ હોય અને અચાનક રીક્ષા ભટકાતા રીક્ષા પલ્ટી ખાય જતા તેમને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.