ઢોર ઉઠાવગીર ટોળકીનું વધુ એક કારાસ્તાન : ચાર પાડી અને એક પાડાની ચોરી

માળીયા હાટીનાના ઘુમલી ગામે બે સામે નામજોગ ફરિયાદ નોંધાતા બન્ને આરોપીઓ હાથવેંતમાં હોવાની શક્યતા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ઢોર ઉઠાવગીર ટોળકીનું વધુ એક કારાસ્તાન સામે આવ્યું છે. જેમાં માળીયા હાટીનાના ઘુમલી ગામે માલધારીઓના ચાર પાડી અને એક પાડા મળી પાંચ પશુઓની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ બનાવમાં બે સામે નામજોગ ફરિયાદ નોંધાતા બન્ને આરોપીઓ હાથવેંતમાં હોવાની શક્યતા છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેન્દ્રભાઇ અરજણભાઇ ઝાલા કારડીયા (ઉ.વ.૪૦ રહે.ઘુમલી ગામે ખડા સીમ ચોરવાડ તરફ જતા રોડનાં કાંઠે તા.માળીયા હાટીના)એ આરોપીઓ ભનુભાઇ બાલુભાઇ સોલંકી (રહે.રામપરા તા.વેરાવળ), સકીલ ઉર્ફે કાલુ અયુબભાઇ કાબાવલીયા (રહે.વેરાવળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૩ના રોજ રાત્રીના સમયે ઘુમલી ગામે ચોરવાડ રોડ કાંઠાની વાડીએ આરોપીઓએ ફરિયાદી તથા તેની બાજુની વાડીવાળા બે સાહેદોની વાડીએથી ખુલ્લી જગ્યામાં ચાર પાડીઓ (પશુ) તથા એક પાડો (પશુ) મળી કુલ પશુ જીવ-૫ જેની કુલ કિ.રૂ.આશરે ૪૫,૦૦૦ વાળા ઢોર(પશુઓ)ની ચોરી કરીને લઈ ગયા હતા. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.