જંગલમાં મંગલ ! પ્રતિબંધિત ગીર અભયારણ્યમાં બર્થડે પાર્ટીની ઉજવણી

વનવિભાગના હંગામી કર્મચારીના જન્મદિવસે કાયદાના લીરેલીરા ઉડાવાયા : વિસાવદરના કુટિયાં થાણામાં બેધડક પાર્ટી થઈ

જૂનાગઢ : જૂનાગઢ જેલમાં બર્થડે પાર્ટીનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં પ્રતિબંધિત ગીર અભયારણ્યમાં સરાજાહેર બર્થડે પાર્ટી ઉજવી કાયદાના લીરેલીરા ઉડાવાતા ચકચાર મચી જવા પામી છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે જંગલમાં મંગલ કરનારું બીજું કોઇ નહિ પરંતુ ખુદ વન વિભાગનો હંગામી કર્મચારી હોવાનું અને જંગલખાતાના અધિકારીઓ પણ આ પાર્ટીમાં હાજર રહ્યાનું બહાર આવ્યું છે.

જૂનાગઢ જેલ બાદ હવે વન્ય પ્રાણીઓ માટે રક્ષિત ગીરના જંગલમાં ગેરકાયદેસર બર્થડે પાર્ટી યોજાઈ હતી જેમાં અભ્યારણ્યના પ્રતિબંધ વિસ્તારમાં બહારનાં લોકો પાર્ટીમાં હાજર રહેતા વનવિભાગની કાર્યશૈલી ઉપર સવાલો ખડા થયા છે.

ગીર સેંચુરીમાં વિસાવદર રેન્જ હેઠળ આવતા અભયારણ્યમાં કુટીયા થાણાંમાં આ પાર્ટી યોજાઈ હોવાનું અને વનવિભાગના હંગામી કર્મચારીના જન્મદિવસે બર્થડે પાર્ટીનું ગતરાત્રીના આયોજન કરાયું હોવાનું સામે આવ્યું છે. આ પાર્ટીમાં વનવિભાગના ફોરેસ્ટર અને ગાર્ડની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર રીતે આ પાર્ટી યોજાઈ હોવાનું પણ બહાર આવ્યું છે.

જો કે, વન વિભાગનો એક સામાન્ય અને હંગામી કર્મચારીને આવી પાર્ટી કરવાની કોણે છૂટ આપી અને એક હંગામી કર્મચારીને આટલી બધી હિંમત કરી શકે ખરા તેવા સવાલો વચ્ચે અજય નામના હંગામી કર્મચારીની પાર્ટીએ હાલ સમગ્ર વનવિભાગને શંકાના દાયરમાં લઇ લીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.