વેરાવળમાં વિપ્ર યુવતી ઉપર જીવલેણ હુમલા મામલે જૂનાગઢ બ્રહ્મસમાજ લાલઘૂમ

મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવા માંગ કરી

જૂનાગઢ : વેરાવળમાં બ્રહ્મ સમાજની યુવતી ઉપર ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કરવાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર પાઠવી આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરી આકરી સજા કરવા માંગ ઉઠાવી છે.

જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કે.ડી.પંડ્યા અને મહામંત્રી મહેશભાઈ એચ.જોશીની આગેવાની હેઠળ આજે બ્રહ્મ અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડેપ્યુટી કલેકટર જૂનાગઢ મારફતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને આવેદનપત્ર પાઠવી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બ્રહ્મ સમાજના ધરતીબેન તથા ભાવેશભાઈ જોષીની વહાલસોઈ પુત્રી તેજસ્વી ભાવેશભાઈ જોષીના ધરે પૂર્વ આયોજીત કાવતરૂ ઘડી છરી, હથોડી તથા એસીડ જેવા જીવલેણ હથીયારો સાથે ગેરકાનૂની પ્રવેશ કરી છરીથી ગંભીર ખૂની હુમલો કરી જાનથી મારી નાખવાના ગેરકાનૂની પ્રયાસને અનુલક્ષીને આરોપી સામે તથા આરોપીને મદદ કરી રહેલ ઈસમો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા અંગે અને તેજસ્વી ભાવેશભાઈ જોપી ને જાનથી મારી નાખવાના ગેરકાનૂની પ્રયાસ અન્વયે રક્ષણ મેળવવા અંગે તથા ગુંડાઓના ત્રાસથી મુકત કરાવવા અંગે તથા ન્યાય મળવા અંગે માંગણી ઉઠાવી આરોપીને કડકમાં કડક સજા કરી આ કાવતરામાં સંડોવાયેલ તમામ સામે પગલા ભરવા રજુઆત કરી હતી.