મહાશિવરાત્રી મેળો : બે વર્ષ પછી જૂનાગઢના સામાન્ય ધંધાર્થીઓની ગાડી પાટે ચઢી

કોરોના કાળના બે વર્ષ બાદ શિવરાત્રીનો મેળો શરૂ થતાં રોજીરોટીની તક મળતા સામાન્ય ધંધાર્થીઓ ભારે ઉત્સાહિત

જૂનાગઢ : ગરવા ગિરનારમાં કોરોના કાળના બે વર્ષના અંતે આ વખતે ભવનાથના પ્રાચીન મહાશિવરાત્રી મેળાને મંજૂરી મળતા ખાસ કરીને જૂનાગઢના સામાન્ય ધંધાર્થીઓ રાજીના રેડ થઈ ગયા છે. બે વર્ષથી કોરોના કાળને કારણે સામાન્ય ધંધાર્થીઓ બેહાલ થઈ ગયા હતા. જો કે ભવનાથના મેળામાં લાખો લોકો ઉમટી પડતા હોવાથી પરંપરાગત માળા સહિતની ધાર્મિક વસ્તુઓ ઉપરાંત અનેક ચીજવસ્તુઓની મોટાપાયે ખરીદી થતી હોય છે. આથી આ વખતે શિવરાત્રીનો મેળો થતા રોજીરોટીની તક મળતા સામાન્ય ધંધાર્થીઓ ભારે ઉત્સાહિત છે.

જૂનાગઢના ભવનાથ ખાતે ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમાં વિશ્વ વિખ્યાત મહાશિવરાત્રી મેળાનું હવે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને આ મેળો શરૂ થવાની હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે. ત્યારે ભવનાથ તળેટી ખાતે સાધુ સંતોના અખાડાની સાથે મેળાના રૂટ ઉપર અવનવી વસ્તુઓની વેરાયટીઓના સ્ટોલ નાખવામાં આવ્યા છે. જેમાં ગરવા ગિરનારની રુદ્રાક્ષની પવિત્ર માળા, મોતીઓના હાર સહિત પરંપરાગત ધાર્મિક વસ્તુઓ ઉપરાંત ખાણી-પીણી, નાસ્તા, ઠંડાપીણાં સહિતની ઘણી બધી વસ્તુઓના ખજાના સાથે નાના વેપારીઓના સ્ટોલ ધમધમવા લાગ્યા છે. મેળાના બન્ને રૂટ ઉપર નાના વેપારીઓએ બે વર્ષ બાદ પોતાના વ્યાપાર ધંધા શરૂ કર્યા છે. આવા નાના વેપારીઓને આ વખતે રોજીરોટી મળવાની મોટી આશા છે.

જૂનાગઢ લોકલ મીડિયા અપડેટ સાથેની વાતચીતમાં નાના-નાના વેપારીઓએ જણાવ્યું હતું કે, ભવનાથના શિવરાત્રીના મેળામાં હજારો નહિ પણ લાખોની મેદની ઉમટી પડે છે. મેળામાં આવતા લોકો જુનાગઢની પરંપરાગત ધાર્મિક વસ્તુઓથી માંડીને બીજી અન્ય આકર્ષક વસ્તુઓ પણ મોટાપાયે ખરીદે છે. આથી મેળામાં નાના વેપારીઓને રોજીરોટી મળી રહે છે. એક રીતે જોઈએ તો નાના વેપારીઓની રોજીરોટી માટે આ મેળો આધારસ્તંભ સમાન છે. બે વર્ષ મેળો બંધ રહેતા વેપારીઓ આર્થિક રીતે મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પણ હવે મેળો શરૂ થતાં અને લાખો માણસો ઉમટી પડવાના હોવાથી નાના વેપારીઓના ચહેરા ઉપર સારી આવક થવાની આશાની રોનક જોવા મળી હતી.