ભવનાથ તળેટી ખાતે શિવરાત્રીના મેળામાં સાધુ-સંતોએ જય ગિરનારીના નાદ સાથે ધૂણી ધખાવી

મહાશિવરાત્રીના મેળાની તૈયારીને આખરી ઓપ, ભારતભરમાંથી આવતા હજારો સાધુ-સંતો જય ગિરનારીના નાદ સાથે સાધનામાં તલ્લીન

જૂનાગઢ : ભજન-ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાં જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે હવે મહાશિવરાત્રી મેળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કોરોના કાળના બે વર્ષના અંતે શરૂ થઈ રહેલા આ ભગવાન ભોળાનાથની અનેરી ભક્તિનો મહિમાગામ કરતા વિશ્વ વિખ્યાત પરંપરાગત મહાશિવરાત્રીના મેળાને લઈને દેશભરના સાધુ સંતો ભારે ઉત્સાહિત છે. અને ભારતભરમાંથી સાધુઓએ ભવનાથ તળેટી ખાતે પડાવ નાખીને ધૂણી ધખાવી છે.

જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે 25 ફ્રેબ્રુઆરીએ વિધિવત રીતે પાંચ દિવસીય પરંપરાગત મહાશિવરાત્રીનો મેળો જય ગિરનારી અને બમ બમ ભોલેના નાદ સાથે ભક્તિભાવપૂર્વક શરૂ થશે. તેથી આ ઐતિહાસિક મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીની ઘડીયો બાકી હોવાથી જુનાગઢનું સમગ્ર વહીવટી તંત્ર તેમજ વિવિધ સંગઠનો, અલગ અલગ સંસ્થાઓ તેમજ જૂનાગઢ સમસ્ત સાધુ સમાજ અને હજારો સ્વંય સેવકો દ્વારા આ મેળાના આયોજન અને વ્યવસ્થામાં ક્યાંય પણ કચાશ ન રહી જાય તે માટે કટિબદ્ધ બનીને સતત ખડેપગે રહીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મેળો માણવા માટે છેલ્લા બે દિવસ ગુજરાત જ નહીં સમગ્ર ભારતભરમાંથી નામી અનામી સંતો, સાધુઓનો ભારે ઘસારો થઈ રહ્યો છે.

ભારતભરમાંથી આવેલા સાધુ-સંતો ભવનાથ તળેટી ખાતે રાવટી-અખાડા નાખીને ધૂણી ધખાવી ભગવાન ભોળાનાથની સાધનામાં તલ્લીન બન્યા છે. સાથેસાથે આ અખાડામાં સાધુ સંતો જાતે જ ભોજન પ્રસાદ બનાવીને પ્રસાદ ગ્રહણ કરવાની સાથે ભજનની રણઝટ બોલાવી રહ્યા છે. આ સાધુ સંતોએ જૂનાગઢ લોકલ મીડિય અપડેટ સાથેની વાતચીતમાં બે વર્ષ બાદ શરૂ થનાર આ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાં આધ્યાત્મિક મેળાને માણવા માટે ખૂબ જ ઉસ્તુક હોવાનું જણાવ્યું હતું. સાથેસાથે આ મેળા જૂની પરંપરા મુજબ ભગવાન ભોળનાથની ભક્તિ કરવા માટે ધૂણી ધખાવી સાધના કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે હજારો સાધુ સંતોની સાથે લાખો લોકો આ મેળા ઉમટી પડશે આથી તમામ લોકો માટે ઉતારા, ભોજન, ભજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.